
વલસાડ, 1 નવેમ્બર (હિ.સ.) : વલસાડ જિલ્લાના કપરાડા તાલુકામાં જિલ્લા આરોગ્ય વિભાગના ટાસ્ક ફોર્સ દ્વારા રાષ્ટ્રીય તમાકુ નિયંત્રણ કાર્યક્રમ અંતર્ગત તા. 1 નવેમ્બરના રોજ આકસ્મિક ચેકિંગ હાથ ધરવામાં આવ્યુ હતું, આ દરમ્યાન કુલ ૨૨ દુકાનદારો પાસેથી રૂપિયા 4300/- નો દંડ વસુલ કરવામાં આવ્યો હતો.
વલસાડ જિલ્લા કલેકટરની અધ્યક્ષતામાં વલસાડ જિલ્લામાં તમાકુ કે તમાકુની બનાવટનું બિન અધિકૃત રીતે વેચાણ અને આનુસાંગિક નિયમ માટે ટાસ્ક ફોર્સની રચના કરવામાં આવી છે. ટોબેકો ફ્રી યુથ કેમ્પેઈન 3.0 અન્વયે તા. 01-11-2025 નાં રોજ તમાકુ નિયંત્રણ કાર્યક્રમ અંતર્ગત COTPA-2003નાં અમલીકરણનાં ભાગ રૂપે કપરાડા તાલુકાનાં કપરાડા વિસ્તારમાં દંડ વસુલાતની કામગીરી કરવામાં આવી હતી. જેમાં વલસાડ જિલ્લા આરોગ્ય વિભાગ, પોલીસ વિભાગ અને શિક્ષણ વિભાગ સાથે મળી સ્ટીયરીંગ કમિટી દ્વારા કપરાડા તાલુકામાં માર્ગો પર ચેકિંગની કામગીરી હાથ ધરવામાં આવી હતી, જેમાં તમાકુ કે તમાકુની બનાવટ વેચતા નાના મોટા પાનના ગલ્લા, પાર્લર વગેરે કુલ ૨૨ જગ્યાએ દુકાનદારો પાસેથી રૂ. 4300/- રકમનો દંડ વસુલ કરવામાં આવ્યો હતો.
આ વિક્રેતાઓને કલમ-4 જાહેર સ્થળે ધુમ્રપાન કરવા પર પ્રતિબંધ, કલમ-6 (અ) 18 વર્ષથી નાની વયની વ્યક્તિને તમાકુનું વેચાણ પર પ્રતિબંધ અને કલમ-6 (બ) શૈક્ષણિક સંસ્થાની 100 વારની ત્રિજ્યામાં તમાકુ કે તમાકુની વેચાણ પર પ્રતિબંધ અંગે કાયદાકીય સમજ આપવામાં આવી હતી. સાથે જ આજુબાજુનાં પાનના ગલ્લાવાળાને ચેતવણી પણ આપવામાં આવી હતી કે, “તમાકુથી કેન્સર થાય છે અને 18 વર્ષથી નાની વયની વ્યક્તિને તમાકુનું વેચાણ પર પ્રતિબંધ છે. આવી આરોગ્ય વિષયક ચેતવણી વિના તમાકુ અને સિગારેટની અન્ય બનાવટોનું છૂટક વેચાણ પર પ્રતિબંધ છે આવી સુચના આપવામાં આવી હતી.
ઉપરોક્ત કામગીરી ઈન્ચાર્જ મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી -વ- એપેડેમિક મેડીકલ ઓફિસર ડો.મનોજ પટેલની સુચના અને માર્ગદર્શન હેઠળ જિલ્લા ટોબેકો કંટ્રોલ સેલ આરોગ્ય વિભાગમાંથી કાઉન્સેલર સુમિત્રાબેન બાગુલ અને સોશિયલ વર્કર અલ્પેશ એ.પટેલ, પોલીસ વિભાગમાંથી કોન્સ્ટેબલ દિલીપ કે. ચૌધરી, શિક્ષણ વિભાગમાંથી મોતીરામ આર. ભોયા અને તાલુકા હેલ્થ કચેરીમાંથી ટીઆઈઈસીઓ રમણભાઈ ચૌધરી અને એમપીએચએસ સુનીલભાઈ પટેલ દ્વારા કરવામાં આવી હતી.
---------------
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે