
પોરબંદર, 1 નવેમ્બર (હિ.સ.) : પોરબંદર જિલ્લામાં થયેલ કમોસમી વરસાદના કારણે પાક નિષ્ફળતા તથા પશુચારા નાશ બાબતે ખેડૂતોને વળતર અને વાહત સહાય ફાળવવા માટે જિલ્લા પંચાયતના જાહેર બાંધકામ સમિતિના અધ્યક્ષ જયેશભાઇ લલીતભાઇ ભુતીયાએ મુખ્યમંત્રીને લેખિત આવેદન પાઠવ્યું છે. આ આવેદનમાં તેઓએ જણાવ્યું છે કે, પોરબંદર જિલ્લામાં છેલ્લા કેટલાક દિવસોથી સતત કમોસમી વરસાદ થવાને કારણે જિલ્લાનાં ત્રણેય તાલુકા પોરબંદર, રાણાવાવ અને કુતિયાણા ના અનેક ગામોમાં ખેડૂતોને આ વરસાદ પડવાથી ભારે નુકશાન થયું છે.
ખેતરોમાં પાણી ભરાઈ જવાથી મગફળી, કપાસ અને સૌયાબીન જેવા મુખ્ય પાકો સંપૂર્ણપણે નિષ્ફળ થયા છે. પાક કાપવા પહેલા જ પાણીમાં ગરક થઈ જવાથી દાણા ચડી ગયા છે અને ઉપજ રસંપૂર્ણ બગડી ગઈ છે. ખેડૂતોએ આખું વર્ષ મહેનત કરીને અને ઊંચા ખર્ચે આ પાક વાવ્યા હતા. બીયારણ, ખાતર, કીટનાશક અને સિંચાઈ માટે ઘણો ખર્ચ કર્યો હતો. પરંતુ હવે અતિવૃષ્ટિથી બધા પ્રયત્નો નિષ્ફળ થતા ઘણા ખેડૂતો નિરાશામાં છે. કેટલાક ગામોમાં ખેતરોમાં હજી સુધી પાણી ભરાયેલ હોવાથી પાકને બચાવવાની કોઈ શક્યતા રહી નથી. તે ઉપરાંત, વરસાદના કારણે પશુપાલકો માટેની પરિરિસ્થતિ પણ ગંભીર બની ગઈ છે. ચરીયાણા અને વાસના ખેતરોમાં પાણી ભરાઈ જવાથી ચારો નષ્ટ થઈ ગયો છે. જેથી પોરબંદર જિલ્લાના ખેડૂત વર્ગ માટે આ સમય ખૂબ મુશ્કેલ છે. પાક નિષ્ફળ થયેલ ખેડૂતોને વળતર ફાળવવામાં આવે અને સાથે પશુવારાની પૂરતી વ્યવસ્થા કરવામાં આવે તેવી અમારી વિનંતી સાથે જિલ્લા પંચાયતના જાહેર બાંધકામ સમિતિના અધ્યક્ષ જયેશભાઈ લલીતભાઇ ભુતીયાએ મુખ્યમંત્રીને લેખિત આવેદન પાઠવ્યું છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya