




પોરબંદર, 1 નવેમ્બર (હિ.સ.) : વન અને પર્યાવરણ, ક્લાઈમેટ ચેન્જ, વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગના કેબિનેટ મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયાએ પોરબંદર જિલ્લાના કમોસમી વરસાદથી અસરગ્રસ્ત વિવિધ ગ્રામ્ય વિસ્તારોની પ્રત્યક્ષ મુલાકાત લીધી અને ખેડૂતોના પાકમાં થયેલા નુકસાનનો ચિતાર મેળવ્યો હતો.મંત્રીએ કુછડી, વિસાવાડા, ટુકડા, આંબારામા, મોઢવાડા, કિંદરખેડા, ફટાણા અને દેગામ,ખાભોદર સહિતનાં ગામોની મુલાકાત કરી હતી.
આ દરમિયાન મંત્રીએ ખેતરોમાં જઈ પાકની સ્થિતિનું નિરીક્ષણ કર્યું અને મગફળીના પાકોમાં થયેલા નુકસાન અંગે ખેડૂતમિત્રો પાસેથી વિગતવાર માહિતી મેળવી હતી.મંત્રીએ જણાવ્યું હતું કે, કમોસમી વરસાદને કારણે ખેડૂતોને મુશ્કેલી પડી છે, પરંતુ રાજ્ય સરકાર ખેડૂતોની પડખે ઊભી છે અને તેમને કોઈપણ પ્રકારની ચિંતા કરવાની જરૂર નથી.
વધુમાં મંત્રીએ સરકાર ખેડૂતોના હિતમાં નિર્ણય કરશે તેમ હૈયાધારણા આપતાં જણાવ્યું કે નુકશાનીના સર્વેનું કાર્ય ઝડપથી અને પારદર્શક રીતે હાથ ધરવામાં આવી રહ્યું છે વધુમાં તેમણે ખેડૂતોને કોઈપણ અફવામાં આવ્યાં વિના સર્વેની કામગીરી કરાવી લેવા અનુરોધ કર્યો હતો.
જિલ્લા ખેતીવાડી અધિકારી એચ.એ ત્રિવેદીએ પણ ખેડૂતોને સર્વેની કામગીરીથી માહિતગાર કરતાં જણાવ્યું કે, ઓનલાઇન અને ઓફલાઈન નુકશાનીના સર્વેનું કાર્ય ચાલુ છે અને ખેડૂત મિત્રો કૃષિ પ્રગતિ મોબાઈલ એપ્લિકેશન દ્વારા પણ પોતાની વિગતો સરળતાથી અપલોડ કરી શકે છે.
આ મુલાકાત દરમિયાન પૂર્વ કેબિનેટ મંત્રી બાબુભાઈ બોખરીયા, જિલ્લા કલેકટર એસ.ડી. ધાનાણી, જિલ્લા વિકાસ અધિકારી બી.બી. ચૌધરી,પોરબંદર ગ્રામ્ય મામલતદાર ખીમાભાઈ મારૂ, જિલ્લા પંચાયત કારોબારી સમિતિના ચેરમેન આવડાભાઈ ઓડેદરા, તાલુકા ભાજપ પ્રમુખ રાણાભાઈ મોઢવાડિયા, તેમજ અગ્રણીઓ સર્વે રામદેવભાઈ મોઢવાડિયા, ભુરાભાઈ કેશવાલા, સામતભાઈ ઓડેદરા, હાથિયાભાઈ ખૂટી, કારૂભાઈ ગોઢાણીયા અને પ્રતાપભાઈ કેશવાલા સહિતના અગ્રણીઓ ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતાં.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya