

મહેસાણા, 1 નવેમ્બર (હિ.સ.) : ઉત્તર ગુજરાતમાં શિયાળાની ઋતુ દરમિયાન પશુઓમાં વાયરસજન્ય રોગોનું પ્રમાણ વધે છે, જેમાં ખાસ કરીને “ખરવા મોવાસા” સૌથી સામાન્ય છે. મહેસાણા જિલ્લાના કૃષિ વિજ્ઞાન કેન્દ્રના નિષ્ણાંત ડૉ. શરદ સોની જણાવે છે કે આ રોગથી સામાન્ય રીતે પશુનું મૃત્યુ થતું નથી, પરંતુ દૂધનું ઉત્પાદન ઘટી જાય છે અને પશુપાલકોને આર્થિક નુકસાન થાય છે.
ખરવા મોવાસા વાયરસજન્ય રોગ છે જે મુખ્યત્વે ગાય અને ભેંસ જેવા ખુરવાળા પશુઓમાં ફેલાય છે. રોગ લાગ્યા બાદ પશુને તાવ આવે છે, મોઢામાં ચાંદા પડે છે અને ખુર વચ્ચે ઘા થવાથી લંગડાટ શરૂ થાય છે. પશુ ખાવું બંધ કરી દે છે અને દૂધ આપવાનું બંધ કરે છે. આ રોગમાંથી પુનઃસ્વસ્થ થવામાં સામાન્ય રીતે 21 દિવસ લાગે છે.
નિષ્ણાંતોના જણાવ્યા મુજબ ઓક્ટોબર–નવેમ્બર મહિનામાં પશુઓનું રસીકરણ કરાવવું જરૂરી છે, જેથી રોગનો ફેલાવો અટકાવી શકાય. ગામસ્તરે સમૂહમાં રસીકરણ કરાવવાથી વધુ અસરકારક પરિણામ મળે છે. રસી ગામની ડેરી, પશુ દવાખાના અથવા સરકાર દ્વારા યોજાતા રસીકરણ અભિયાનમાં ઉપલબ્ધ હોય છે. સમયસર રસીકરણ અને યોગ્ય સંભાળથી ખરવા મોવાસા રોગથી પશુઓને સુરક્ષિત રાખી શકાય છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR