
પોરબંદર, 1 નવેમ્બર (હિ.સ.) : વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વિઝન અને મિશનથી પ્રેરિત થઈને મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની સંવેદનશીલ સરકારના માર્ગદર્શન હેઠળ પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના અંતર્ગત રાજ્યમાં રાષ્ટ્રીય અન્ન સલામતી કાયદા હેઠળ નોંધાયેલા રેશનકાર્ડ ધારક લાભાર્થીઓને આવશ્યક ચીજવસ્તુઓનો સતત લાભ મળી રહ્યો છે.
યોજનાના અંતર્ગત ઘઉં અને ચોખાનું વિનામૂલ્યે વિતરણ કરવામાં આવી રહ્યું છે. ઉપરાંત રેશનકાર્ડ લાભાર્થીઓને પ્રોટીન સભર અને ગુણવત્તાયુક્ત તુવેરદાળ, ચણા, ખાંડ અને મીઠા જેવી આવશ્યક ચીજવસ્તુઓ રાહતદરે ઉપલબ્ધ કરાવવામાં આવી રહી છે.
રાજ્ય સરકારની વિશિષ્ટ યોજનાની વિશેષતા તરીકે જન્માષ્ટમી અને દિવાળી તહેવારો દરમિયાન સીંગતેલ તથા વધારાની ખાંડનું વિતરણ પણ રાહતદરે કરવામાં આવે છે — જે સમગ્ર દેશમાં માત્ર ગુજરાત રાજ્યમાં જ અમલમાં છે.
માહે નવેમ્બર-2025 માસ માટેના આગોતરા આયોજન અંતર્ગત 75 લાખથી વધુ કુટુંબો, એટલે કે આશરે 3.25 કરોડ જેટલી જનસંખ્યા, માટે આવશ્યક ચીજવસ્તુઓની ફાળવણી કરવામાં આવી છે. જેમાં ઘઉં તથા ચોખાનું વિનામૂલ્યે વિતરણ અને રાજ્ય સરકારની યોજના હેઠળ રાહતદરે વિતરણ થતી તુવેરદાળ, ચણા, ખાંડ અને મીઠા જેવી ચીજવસ્તુઓના ચલણ નોંધપાત્ર પ્રમાણમાં જનરેટ થઈ ચૂક્યા છે તથા તેમની નાણાકીય ભરપાઈ પણ પૂર્ણ થઈ ગઈ છે.
અંત્યોદય (AAY) તથા પ્રાથમિક ઘરેલુ (PHH) એટલે કે NFSA લાભાર્થીઓ કોઈપણ રીતે લાભથી વંચિત ન રહે તે માટે અનુરોધ કરવામાં આવે છે. આ વિતરણ તા. 1લી નવેમ્બરથી રાજ્યભરમાં શરૂ થવાનું છે.
વાજબી ભાવની દુકાનદારોની પોષણક્ષમતા જળવાઈ રહે તે માટે રાજ્ય સરકાર દ્વારા અનાજના વિતરણ સંબંધિત કમિશન ઉપરાંત તફાવતરૂપે પ્રતિમાસ રૂ. 20,000 ની રકમ વાજબી ભાવની દુકાનના સંચાલકોના બેંક ખાતામાં નિયમિત ચૂકવવામાં આવે છે. આ સંપૂર્ણ ખર્ચ રાજ્ય સરકાર દ્વારા જ ભોગવવામાં આવે છે.
સમગ્ર દેશમાં માત્ર ગુજરાત રાજ્ય જ એવું રાજ્ય છે, જ્યાં વાજબી ભાવના દુકાનદારોને મિનિમમ રૂ. 20,000 કમિશનની ચુકવણી કરવામાં આવે છે. કમિશનની તમામ વિગતો વાજબી ભાવની દુકાનદારો માટે e-passbookમાં ઉપલબ્ધ છે. હાલ કમિશન રૂ. 30,000 પ્રતિમાસ કરવા બાબતની માગણી નીતિગત હોવાથી રાજ્ય સરકારના વિચારાધીન છે.
વાજબી ભાવની દુકાનદારોને મળતા વિવિધ કમિશનનું ચુકવણું દર માસે નિયમિતપણે કરવામાં આવે છે અને સપ્ટેમ્બર-2025 સુધી તમામ ચુકવણીઓ પૂર્ણ થઈ ગઈ છે. દુકાનદારોના પડતર પ્રશ્નો અંગે એસોસિએશનના પ્રતિનિધિઓ સાથે સમયાંતરે ચર્ચા અને બેઠક યોજવામાં આવે છે. તાજેતરની માગણીઓમાંની કેટલીક નીતિગત બાબતો રાજ્ય સરકારના વિચારાધીન છે.
વન નેશન વન રેશન કાર્ડ યોજના હેઠળ કોઈપણ લાભાર્થી પોતાની પસંદગી મુજબ રાજ્યમાં કે દેશના કોઈપણ ભાગમાં પોતાની બાયોમેટ્રિક ઓળખ દ્વારા અનાજનો જથ્થો મેળવી શકે છે. આ યોજનાની સફળ અમલવારી બાદ અત્યાર સુધી 1 કરોડથી વધુ લાભાર્થીઓએ તેનો લાભ લીધો છે, જેમાં ગુજરાત રાજ્ય અગ્રેસર રહ્યું છે.
તાજેતરમાં ડોર સ્ટેપ ડિલિવરી વ્યવસ્થાને વધુ મજબૂત બનાવવા માટે મંત્રીના માર્ગદર્શન હેઠળ ગ્રામ્ય અને શહેરી તકેદારી સમિતિના સભ્યોના બાયોમેટ્રિક વેરિફિકેશન બાબતે નિર્ણય લેવામાં આવ્યો છે. 80% સભ્યોના બાયોમેટ્રિક વેરિફિકેશન પૂર્ણ થયા બાદ કાર્યવાહી હાથ ધરવાની રહેશે. મંત્રીશ્રીની અધ્યક્ષસ્થાને યોજાયેલી બેઠકના ઠરાવ મુજબ તા. 31 ડિસેમ્બર 2205 સુધી ઓછામાં ઓછા 50% સભ્યોના બાયોમેટ્રિક અથવા ઓ.ટી.પી આધારિત વેરિફિકેશન ડોર સ્ટેપ ડિલિવરી સમયે ફરજીયાતરૂપે લેવાશે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya