
૧૭૨ એસ.ટી.બસની ૪૭૧ ટ્રીપમાં ૧૯,૧૭૬ મુસાફરોએ મુસાફરી કરી
ગીર સોમનાથ, 1 નવેમ્બર (હિ.સ.) : ગુજરાત રાજ્ય માર્ગ વ્યવહાર નિગમ વેરાવળ દ્વારા દિવાળીના તહેવારોને ધ્યાને લઇને સમગ્ર ગુજરાતના અલગ અલગ જિલ્લાઓમાં મુસફરોને તેમના વતન જવા અને આવવા માટે તા. ૧૫ ઓક્ટોબરથી ૨૯ ઓક્ટોબર સુધી વેરાવળ એસ.ટી. વિભાગ દ્વારા વધારાની બસનું સંચાલન કરવાનું આયોજન કરાયું હતું.
વેરાવળ એસ.ટી.ડેપો મેનેજર દિલીપ શામળાએ જણાવ્યું હતું કે, દિવાળીના તહેવારોમાં લોકોએ પોતાના વતન તથા સ્નેહીજનોને ત્યાં જવા માટે તથા હરવા ફરવા માટે એસ.ટી. બસનો ભરપુર ઉપયોગ કર્યો હતો, જેના કારણે આ સમયગાળા દરમિયાન વેરાવળ એસ.ટી. વિભાગને રૂ.૨૧.૮૩ લાખ કરતાં વધારે આવક થઇ હતી.
તેમણે વધુમાં કહ્યું કે, જૂનાગઢ એસ.ટી. ડિવિઝનની મળેલી સૂચના મુજબ તા.૧૫ થી ૨૯ ઓક્ટોબર સુધી વેરાવળ એસ.ટી.ડેપો ખાતેથી એકસ્ટ્રા બસ દોડાવવામાં આવી હતી. જેમાં ૧૭૨ બસ દ્વારા ૪૭૧ ટ્રીપ કરી હતી. જેમાં ૧૯,૧૭૬ મુસાફરોએ લાભ લીધો હતો. વેરાવળ ડેપોનો આવકનો લક્ષ્યાંક રૂપિયા ૧૬,૨૦,૦૦૦નો હતો. તેની સામે આવક વધીને રૂપિયા ૨૧,૮૩,૧૧૧ની આવક થઇ છે.
વેરાવળ એસ.ટી.ડેપોના મહતમ સંચાલન થકી મહતમ આવક મેળવવા બદલ તમામ ડ્રાઇવર, કન્ડક્ટર, ટ્રાફિક મેકેનિક સુપર વાઇઝરો, ટ્રાફિક મેકેનિક તેમજ વહીવટી સ્ટાફે જહેમત ઉઠાવી હતી.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ