અમરેલીમાં “ખેતી બચાવો સત્યાગ્રહ”: પહેલા પ્રતાપ દુધાતની તીખી પ્રતિક્રિયા : સરકારને શરમ આવવી જોઈએ
અમરેલી, 1 નવેમ્બર (હિ.સ.) : અમરેલી જિલ્લામાં સતત કમોસમી વરસાદ અને ખેડૂતોની હાલત પર રાજકીય ગરમાવો વધ્યો છે. જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાતે “ખેતી બચાવો સત્યાગ્રહ”ના આરંભ પહેલા સોશિયલ મીડિયા દ્વારા સરકારને કડક શબ્દોમાં આડે હાથ લીધી છે. પ્રતાપ દ
અમરેલીમાં “ખેતી બચાવો સત્યાગ્રહ” પહેલા પ્રતાપ દુધાતની તીખી પ્રતિક્રિયા : “સરકારને શરમ આવવી જોઈએ”


અમરેલી, 1 નવેમ્બર (હિ.સ.) : અમરેલી જિલ્લામાં સતત કમોસમી વરસાદ અને ખેડૂતોની હાલત પર રાજકીય ગરમાવો વધ્યો છે. જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાતે “ખેતી બચાવો સત્યાગ્રહ”ના આરંભ પહેલા સોશિયલ મીડિયા દ્વારા સરકારને કડક શબ્દોમાં આડે હાથ લીધી છે.

પ્રતાપ દુધાતે જણાવ્યું કે, ખેડૂતો માટે હાલની પરિસ્થિતિ અત્યંત કપરા સમયની છે. એક તરફ કમોસમી વરસાદે ખેડૂતોના પાકને ભારે નુકસાન પહોંચાડ્યું છે, તો બીજી તરફ સરકાર ખેડૂતોને પોતાના ખેતરમાં જઈ એપ્લિકેશન દ્વારા ‘ક્રોપ વિંગ’ કરીને ફોટા પાડવા અને લોકેશન મોકલવા કહે છે. તેમણે આ પ્રક્રિયાને “ખેડૂત વિરુદ્ધનું ગતકડું” ગણાવી સરકારને શરમ આવવી જોઈએ એમ જણાવ્યું.

દુધાતે વધુમાં જણાવ્યું કે, “આજે પણ અમરેલી સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાં વરસાદ ચાલુ છે. ખેડૂતોના ખેતરોમાં પાણી ભરાઈ ગયું છે અને પાક નાશ પામ્યો છે. ત્યારે આવા સમયમાં સરકાર ખેડૂતોને એપ્લિકેશનમાં ફોટા પાડવા માટે મજબૂર કરે છે, જે અમાનવીય છે.”

તેમણે સૌરાષ્ટ્ર અને ગુજરાતના તમામ સરપંચોને અપીલ કરતા જણાવ્યું કે, “તમારા ગામની ગ્રામ પંચાયતે તાત્કાલિક બેસી ઠરાવ પસાર કરો અને સર્વે માટે આવનાર અધિકારીઓને ગામમાં પ્રવેશ ન આપો. ઠરાવ કરીને સરકારને આપો કે ખેડૂતોના ગતકડાં બંધ કરો અને દેવા માફ કરો.”

પ્રતાપ દુધાતે ખેડૂતોને પણ જાગૃતિ માટે અપીલ કરી હતી. તેમણે કહ્યું કે, “ખેડૂતોએ હવે જાગવું પડશે. જ્યાં સુધી તમે રસ્તા પર આવી સરકાર સામે અવાજ નહીં ઉઠાવો, ત્યાં સુધી બહેરી અને મૂંગી સરકાર કદી નહીં જાગે.”

તેમણે ઉમેર્યું કે, “3 નવેમ્બરથી ખેડૂતોનું ‘ખેતી બચાવો સત્યાગ્રહ’ શરૂ થવાનું છે. તમામ ખેડૂતોને વિનંતી છે કે મોટી સંખ્યામાં આ આંદોલનમાં જોડાઓ. જો સરકાર ખરેખર ખેડૂતોના પક્ષમાં છે, તો તાત્કાલિક ખેડૂતોના દેવા માફ કરી સહાય જાહેર કરે. જો સરકાર આવું કરશે તો હું સ્વયં આવી સરકારનો આવકાર અને સત્કાર કરીશ.”

આ રીતે પ્રતાપ દુધાતે સતત વરસાદ અને ખેડૂતોના પ્રશ્નોને લઈ સરકાર સામે તીખી પ્રતિક્રિયા આપતા અમરેલી અને સૌરાષ્ટ્રમાં ખેડૂતોમાં નવી ઉર્જા ફૂંકી છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Gondaliya Abhishek Nandrambhai


 rajesh pande