


મહેસાણા, 1 નવેમ્બર (હિ.સ.) : મહેસાણા જિલ્લાના કડી વિસ્તારના ખાખરીયા પટ્ટામાં દર વર્ષે મોટા પાયે ટામેટાનું વાવેતર કરવામાં આવે છે અને ખેડૂતોને સારી આવક થાય છે. પરંતુ આ વર્ષે કમોસમી વરસાદ અને માવઠાના કારણે ટામેટાના વાવેતરમાં ભારે નુકસાન થયું છે. ખાખરીયા પટ્ટાના જયદેવપુરા, મહારાજપુરા, ધરમપુરા, વિસતપુરા, નરસિંહપુરા, ખંડેરાપુરા, મેઢા, મણીપુર અને ગોવિંદપુરા સહિતના ગામોમાં 2000થી વધુ વીઘામાં ટામેટાની ખેતી થઈ છે, પણ સતત પડેલા વરસાદથી ટામેટાનો ફાલ ખરી ગયો છે.
ગોવિંદપુરાના ખેડૂત મહેન્દ્રભાઈ પટેલ જણાવે છે કે સામાન્ય રીતે દિવાળી બાદ ટામેટાનું વેચાણ શરૂ થઈ જાય છે, પરંતુ આ વર્ષે વરસાદના કારણે પાક બગડતાં વેચાણમાં ઓછામાં ઓછો એક મહિનો મોડો પડશે. તેઓએ જણાવ્યું કે ફૂલ અને ફળ બન્નેને નુકસાન થવાથી ઉપજ ઘટશે અને ખેડૂતોને આર્થિક નુકસાન ભોગવવું પડશે. સામાન્ય રીતે ટામેટાની એક વીઘામાંથી દોઢ લાખ રૂપિયાની આવક થતી હોય છે, પરંતુ આ વર્ષે આવકમાં ભારે ઘટાડો થવાની શક્યતા છે. છેલ્લા 20 વર્ષથી ટામેટાની ખેતી કરતા ખેડૂતોએ કહ્યું છે કે આવી પરિસ્થિતિ વર્ષો બાદ જોવા મળી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR