ડાયાબિટીસ સામે લડવા સુરત જિલ્લા પંચાયતની નવી પહેલ
સુરત, 11 નવેમ્બર (હિ.સ.) સુરત જિલ્લા પંચાયત દ્વારા ગ્રામ્ય વિસ્તારોમાં આરોગ્ય સેવાઓને વ્યાપક અને મજબૂત બનાવવા તેમજ ડાયાબિટીસ નિયંત્રણ માટેના રાજ્ય તથા રાષ્ટ્રીય કાર્યક્રમોને અનુરૂપ એક અનોખી પહેલ હાથ ધરવામાં આવી છે. જેમાં ગ્રામજનોને ઘરઆંગણે જ આધુનિ
Surat


સુરત, 11 નવેમ્બર (હિ.સ.) સુરત જિલ્લા પંચાયત દ્વારા ગ્રામ્ય વિસ્તારોમાં આરોગ્ય સેવાઓને વ્યાપક અને મજબૂત બનાવવા તેમજ ડાયાબિટીસ નિયંત્રણ માટેના રાજ્ય તથા રાષ્ટ્રીય કાર્યક્રમોને અનુરૂપ એક અનોખી પહેલ હાથ ધરવામાં આવી છે. જેમાં ગ્રામજનોને ઘરઆંગણે જ આધુનિક ટેકનોલોજીથી ડાયાબિટીસના નિદાનની સેવા મળી રહે એ માટે જિલ્લા પંચાયતના સ્વભંડોળમાંથી નવી યોજના અમલી બનાવાશે.

આ યોજનાને પરિણામે ડાયાબિટીસ નિદાન માટે ગ્રામજનોને શહેર સુધી જવાની જરૂર નહીં રહે. ઘરઆંગણે લેબોરેટરી સુવિધા મળતા સમય, ખર્ચ બચશે અને દૂરની મુસાફરી કરવી નહીં પડે. પરિણામે ગ્રામજનોના આરોગ્ય, સુખાકારી અને જીવન ગુણવત્તામાં વધારો થશે.

જિલ્લા પંચાયતની કારોબારી બેઠકમાં જિલ્લાના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો (PHC)માં અત્યાધુનિક Point of Care HbA1C મશીનો તથા લેબોરેટરી માટે જરૂરી રિએજન્ટની ખરીદી માટે કુલ અંદાજિત રૂ. 42 લાખ જિલ્લા પંચાયતના સ્વભંડોળમાંથી ખર્ચ કરવા અંગેની મંજૂરી આપવામાં આવી છે.

જિલ્લામાં પ્રથમ વખત આ પ્રકારના મશીનો જિલ્લાના પ્રાથમિક (PHC) અને સામુહિક આરોગ્ય કેન્દ્રો (CHC) ને ફાળવવામાં આવશે. આધુનિક Point of Care HbA1C મશીનો દ્વારા ફક્ત થોડા મિનિટોમાં લોહીના નમૂનાના આધારે છેલ્લા 2થી 3 મહિનાનું સરેરાશ બ્લડ સુગર સ્તર (HbA1C) જાણી શકાય છે. આ આધુનિક તકનિકથી ડાયાબિટીસનું સમયસર નિદાન અને અસરકારક નિયંત્રણ શક્ય બનશે.

ખાનગી લેબોરેટરીમાં HbA1C ટેસ્ટનો ખર્ચ રૂ.300 થી 500 જેટલો હોય છે, જ્યારે ગ્રામ્ય આરોગ્ય કેન્દ્રોમાં આ તપાસ સંપૂર્ણપણે નિ:શુલ્ક કરવામાં આવશે. આ મશીનોની ફાળવણીમાં એવા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો (PHC)ને પ્રાથમિકતા અપાઈ છે, જેઓને PMJAY યોજનાથી વધુ આવક પ્રાપ્ત થાય છે, જેથી મશીનોનું યોગ્ય જતન અને સતત કામગીરી સુનિશ્ચિત થઈ શકે. ઉપરાંત, રિએજન્ટ ખરીદી માટે દરેક PHC ને પ્રથમવાર રૂ.50 હજારની વાર્ષિક સહાય જિલ્લા પંચાયતના સ્વભંડોળ બજેટ હેઠળ ફાળવવામાં આવી છે, જેથી તપાસ સેવાઓ અવિરત રીતે ચાલુ રહી શકે અને ગ્રામ્ય વિસ્તારોના નાગરિકોને સતત આરોગ્ય લાભ મળી રહે.

આ ઉપક્રમથી ડાયાબિટીસ નિયંત્રણ માટેના રાજ્ય અને રાષ્ટ્રીય લક્ષ્યોને પૂર્ણ કરવામાં મદદ મળશે. દેશભરમાં વધતા જતા ડાયાબિટીસ અને મેદસ્વીતાના રોગના જોખમોને ધ્યાનમાં રાખીને સુરત જિલ્લા પંચાયત દ્વારા આરોગ્યલક્ષી સેવાઓને વધુ ટેકનોલોજી આધારિત, ઝડપી, નાગરિકકેન્દ્રી અને સુદ્રઢ બનાવતી આ પહેલ ગ્રામ્ય સુખાકારીની દિશામાં મહત્વપૂર્ણ પગલું છે

હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે


 rajesh pande