
જામનગર, 12 નવેમ્બર (હિ.સ.) : તા.૦૧/૦૧/૨૦૨૬ ની લાયકાતની તારીખના સંદર્ભમાં મતદારયાદી ખાસ સધન સુધારણા (SIR) કાર્યક્રમ અંતર્ગત તા.૦૪/૧૧/૨૦૨૫ થી તા.૦૪/૧૨/૨૦૨૫ સુધીના સમયગાળાને ગણતરીના તબકકા તરીકે નકકી કરવામાં આવ્યો છે. જામનગર જિલ્લામાં ચાલી રહેલ આ કામગીરી અંતર્ગત જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટર કેતન ઠક્કરના અધ્યક્ષ સ્થાને કલેકટર કચેરીના સભાખંડમાં પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું.
પત્રકાર પરિષદમાં SIR કામગીરી અંતર્ગત ફોર્મ વિતરણની કામગીરીને લઇને જામનગર જિલ્લા ચૂંટણી અધિકારીએ વિગતો આપતા જણાવ્યું હતું કે, હાલ બીએલઓ દ્વારા લોકોના ઘરે જઈને ગણતરી ફોર્મ વિતરણની કામગીરી કરવામાં આવી રહી છે. જિલ્લામાં સમાવિષ્ટ પાંચેય વિધાનસભા મતદાર વિભાગમાં કુલ ૧૨લાખ ૪૧હજાર ૯૭ મતદારો છે. જે પૈકીના ૧૦લાખ ૧૮ હજાર જેટલા મતદારોને ગણતરી ફોર્મનું વિતરણ કરી દેવામાં આવ્યું છે. આમ ફોર્મ વિતરણની કામગીરી ૮૨.૦૮% પૂર્ણ થઈ છે.
SIRની કામગીરી સમયમર્યાદામાં પૂર્ણ થાય તે માટે બી.એલ.ઓ.ને મદદ કરવા અન્ય કચેરીના કર્મચારીઓની સ્વયં સેવક તરીકે નિમણૂંક કરવામાં આવી છે.બી.એલ.ઓ. દ્વારા ગણતરીના સમયગાળા દરમ્યાન ત્રણ વખત મતદારના ઘરની મુલાકાત લેવામાં આવશે.
લોકોને સરળતા રહે તે હેતુથી જામનગર જિલ્લામાં આગામી તા.૧૫-૧૬ તા.૨૨-૨૩ નવેમ્બરના રોજ સવારે ૯:૦૦ થી બપોરે ૧:૦૦ વાગ્યા સુધી સબંધિત ભાગના બુથ લેવલ ઓફીસર તેમના મતદાન મથક ખાતે હાજર રહેશે. આ વિશેષ કેમ્પમાં બાકી રહેલા મતદારો આ સમય દરમિયાન BLO ની મદદથી મેપીંગ / લીન્કીંગ કરાવી શકશે. જે મતદારોને ફોર્મ ભરવા માટે મદદની જરૂર હોય તેઓને પણ બીએલઓ મદદરૂપ થશે.
મતદાર BLO નો ફોનથી સંપર્ક કરી શકે તે માટે https://voters.eci.gov.in/ પરથી Book a Call With BLO વિકલ્પનો ઉપયોગ કરી શકે છે. કોલ બુક થયા બાદ બીએલઓ દ્વારા ૪૮ કલાકની અંદર સામેથી મતદારનો સંપર્ક કરવામાં આવશે. જો કોઈ મતદારે online Enumeration Form ભરવુ હોય તો Voters' Service Portal https://voters.eci.gov.in/login પરથી ભરી શકશે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt