
- 2 કરોડની માતબર ખંડણી માંગી હતી
ગાંધીનગર/અમદાવાદ,12 નવેમ્બર (હિ.સ.) થોડા સમય પહેલા ઓસ્ટ્રેલિયા જવાની લાલચ આપીને દિલ્હીના એક એજન્ટ અને તેના મળતિયાઓએ આ 4 લોકોને ઈરાનના તહેરાન શહેરમાં બંધક બનાવી અસહ્ય ત્રાસ આપી 2 કરોડની માતબર ખંડણી માંગી હતી.
ગાંધીનગર જિલ્લાના માણસા તાલુકાના બાપુપુરા ગામના દંપતી સહિત ચાર વ્યક્તિઓ સાથે માનવ તસ્કરી અને ખંડણીનો ગંભીર બનાવ સામે આવ્યો હતો. જે બાદ ચારેય અપહ્યતનો છૂટકારો થયો હતો. આ મામલે માણસા પોલીસ મથકે ગુનો દાખલ થયો હતો. હવે સ્પેશિયલ ઓપરેશન ગ્રુપની ટીમે દિલ્હીના એજન્ટની ધરપકડ કરી 13 નવેમ્બર સુધીના રિમાન્ડ મેળવી આગળની કડી સુધી પહોંચવા પ્રયાસો શરૂ કર્યા છે.
માણસા તાલુકાના બાપુપુરા ગામનાં અનિલ ચૌધરીને પિતરાઈ ભાઈ થકી દિલ્હીના પાસપોર્ટ-વિઝા એજન્ટ જરીક અહેમદ ખાનનો સંપર્ક થયા હતો. બાદમાં અનિલ તેમજ ગામના અજય કાંતિભાઇ ચૌધરી, એક મહિલા અને બદપુરાના નિખિલ રમણભાઇ ચૌધરી એમ ચાર જણાએ ઓસ્ટ્રેલિયા જવા માટે જરીકખાનને વ્યક્તિ દીઠ 35 લાખનો ખર્ચ ઉતાર્યા પછી આપવાનું નક્કી કરીને કામ સોંપ્યું હતું. જેના માટે ફ્લાઇટની ટિકિટ, હોટલ બુકિંગ સહિતની ગોઠવણ કરાવી આપવાની બાંહેધરી જરીકે લીધી હતી.
જેના થોડા દિવસો પછી 16 ઓકટોબરે જરીક અમદાવાદથી બેંગકોક સુધીની એર એશિયા ફલાઇટની ચારેયની ટિકિટ મોકલી આપી હતી. એટલે દંપતી સહિત ચારેય જણા અમદાવાદ એરપોર્ટથી બેંગકોક પહોંચ્યા હતા. એ વખતે પિતરાઈ ભાઈ નિકુલ બાબુભાઈ ચૌધરી મારફતે જરીકે બે દિવસના રોકાણ માટે બેંગકોક ખાતેની દુસીટ-ડી/2 સમયાન હોટલની બુકિંગ ટીકીટ મોકલી આપી હતી. પરંતુ ત્યાં ચેક આઉટ ટાઇમ ચાલતો હોવાથી રૂમ મળ્યો ન હતો. આથી સ્વ ખર્ચે ડોલરથી નવી હોટલ ઇકોટેલ બુક કરાવી તેમાં બે દિવસ તેઓ રોકાયા હતા.
પિતરાઈ ભાઈ થકી જ બધી ગોઠવણ થતી હોવાથી ત્યાં તકલીફો પડતા અનિલ ચૌધરીએ ડાયરેક્ટ વાતચીત કરવા જરીકને કહેવડાવ્યું હતું. પરંતુ જરીક સીધો સંપર્કમાં આવતો નહોતો અને તહેરાનની ટીકિટો મોકલી આપી હતી. બાદમાં 19 ઓક્ટોબરે ચારેય જણા બેંગકોકથી વાયા દુબઈ થઈ તહેરાન (ઈરાન) એરપોર્ટ ઉતર્યા હતા. જ્યાં તહેરાનની 'મરકાઝી હોટલ' માં રોકાયા બાદ 23 ઓક્ટોબરની રાત્રે એક અજાણ્યા ફોન નંબરથી તેમને હોટલ બહાર બોલાવવામાં આવ્યા હતા.
જ્યાં અગાઉથી બે ટેક્સી ઊભી હતી અને તેઓને સિડની લઈ જવાનું કહેવાયું હતું. બાદમાં અનિલ અને નિખીલ રમણભાઇ ચૌધરીને એક ટેક્સીમાં તથા બીજી ટેક્સીમાં અજ્ય ચૌધરી તથા મહિલાને બેસાડી ત્યાંથી એરપોર્ટની જગ્યાએ અન્ય કોઇ અવાવરૂ જગ્યાએ લઈ જવાયા હતા.
કપડાંથી હાથ-પગ બાંધી દઇ મોઢામાં ડૂચા મારી યાતના આપી
જ્યાં ચારેય જણાના કપડાંથી હાથ-પગ બાંધી દઇ મોઢામાં ડૂચા મારી અસહ્ય યાતનાઓ આપવાની શરૂઆત થઈ હતી. અને ઘરે વોટ્સએપ કોલ કરાવી બે કરોડની ખંડણી માંગવાનો સિલસિલો શરૂ થયો હતો. આ દરમિયાન અનિલ અને નિકુલને નગ્ન કરીને મારતા મારતા વિડિઓ પણ બનાવી પરિવાર ઉપર દબાણ ઊભું કર્યું હતું. અને પૈસા ન મોકલે તો ચારેયની મારી નાંખી કિડની, આંખો, લિવર કાઢી વેચી દેવાની ધમકીઓ અપાઈ હતી.
જેના પગલે માણસાના પરિવારજનોએ ચારેયને છોડાવવા માટે સ્થાનિક ધારાસભ્યથી માંડી અન્ય સોર્સ દોડાવ્યા હતા. બાદમાં અપહરણકારોએ 27 ઓક્ટોબરે ચારેયને તહેરાન એરપોર્ટ બહાર ઉતારી દીધા હતા. અને 28 ઓક્ટોબરે ચારે પરત ફર્યા હતા.
હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ