
જુનાગઢ, 12 નવેમ્બર (હિ.સ.) બાગાયત વિભાગ, રાજ્ય સરકાર, ગાંધીનગરના માર્ગદર્શન અનુસાર જૂનાગઢ તથા ગીર સોમનાથ જિલ્લાની નાયબ બાગાયત નિયામકની કચેરી દ્વારા બાગાયતી ખેતી કરતા ખેડૂત મિત્રો માટે મહત્વપૂર્ણ જાહેરતા કરવામાં આવી છે.
જેમાં જણાવ્યા અનુસાર બાગાયતી પાકો જેવા કે કેરી, ચીકુ, જામફળ, સીતાફળ, કેળા વગેરે ફળો તેમજ શાકભાજી પાકો જેવા કે સરગવો, ટામેટાં, કાકડી, કેપ્સીકમ વગેરેની ખેતી કરતાં ખેડૂતોને વિદેશમાં નિકાસ કરવાની થતી હોય તો ખેડૂતોએ પોતાના ખેતર કે બગીચાનું અપેડા અંતર્ગત ફાર્મ રજીસ્ટ્રેશન કરાવવું જરૂરી છે. આ રજીસ્ટ્રેશનની કામગીરી જિલ્લા કક્ષાએ નાયબ બાગાયત નિયામકની કચેરી દ્વારા કરવામાં આવે છે.
તો તેમાં રસ ધરાવતા ખેડૂતોએ નિયત નમૂનાનું અરજી પત્રક મેળવીને તેની સાથે જરૂરી સાધનિક કાગળો જેવા કે ૭- ૧૨, ૮- અ, આધાર કાર્ડની નકલ, ફાર્મનો નકશો તથા ફાર્મ ડાયરી વગેરે જોડીને તાત્કાલિક ધોરણે પહોંચાડવાની રહેશે. મળેલી અરજીની ઉપરોક્ત કચેરીઓ દ્વારા વ્યવસ્થિત રીતે ચકાસણી કરીને ત્યારબાદ ખેડૂત મિત્રોને રજીસ્ટ્રેશન સર્ટીફીકેટ આપવામાં આવશે.
ફોર્મ મેળવવા તથા આપવા માટેનું સરનામું –નાયબ બાગાયત નિયામકની કચેરી, લધુ કૃષિ ભવન, બહુમાળી ભવનની સામે, જૂનાગઢની કચેરીએ સંપર્ક કરવાનો રહેશે. તેમ નાયબ બાગાયત નિયામકશ્રી, જૂનાગઢની યાદીમાં જણાવવામાં આવ્યું છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ