
- ગાંધીનગરમાં ડ્રાઈવરના મોબાઇલમાંથી પુરાવા મળ્યા
- પાર્ટીને લોકસભા-વિધાનસભામાં 11,496 મત અને 957 કરોડનું દાન મળ્યું
ગાંધીનગર, 12 નવેમ્બર (હિ.સ.) : દેશબહારની રાજકીય પાર્ટીઓને પોતાને મળેલ દાન ની માહિતી આઇટી વિભાગને આપવાની હોય છે. ભારતીય નેશનલ જનતા દળના નામે નોંધાયેલ રાજકીય પાર્ટીના ગાંધીનગર સ્થિત વડા સંજય વિઠ્ઠલભાઈ ગજેરાના ઘર-ઓફિસે આજે વહેલી સવારથી પોલીસ બંદોબસ્ત સાથે IT ટીમ ત્રાટકી હતી. ITની એક ટીમ સેકટર 26 કિસાનનગર સ્થિત તેમના ઘરે હથિયારધારી પોલીસ જવાન સાથે ઘરમાં સર્ચ કરી રહી છે. જ્યારે અન્ય ટીમો સેક્ટર 11માં મેઘ મલ્હાર ઓફિસ અને ડ્રાઇવરના ગ્રીનિસિટી ઘરે ત્રાટકી છે.
હાલમાં સંજય ગજેરાના ઘરે આઇટીની ટીમ દસ્તાવેજો, સ્થાવર અને જંગમ મિલકત સહિતના પુરાવા ચકાસી રહી છે.
મળતી માહિતી પ્રમાણે પાર્ટીના મૂળ સ્થાપક વિઠ્ઠલ ગજેરા છે. જેઓનું કોરોના દરમિયાન અવસાન થતાં પાર્ટીનું સમગ્ર સંચાલન સંજય ગજેરાના હાથમાં આવ્યું હતું. જે બાદ સંજય ગજેરાએ આખું નેટવર્ક ઊભું કર્યું હતું. સંજય ગજેરાના ડ્રાઈવર રોનકસિંહના મોબાઇલમાંથી પણ કેટલાક મહત્વના પુરાવા ITને હાથ લાગ્યા છે.
ઉલ્લેખનીય છે કે સંજય ગજેરાની પાર્ટી ભારતીય નેશનલ જનતા દળ 2022 ગુજરાત વિધાનસભા અને લોકસભા 2024ની ચૂંટણી લડી હતી. જેમાં પાર્ટીના કુલ 8 ઉમેદવારને 11,496 મત મળ્યા હતા અને 957 કરોડનું દાન મળ્યું હતું.
ચૂંટણીમાં ખૂબ ઓછા વોટ મેળવનારા પક્ષોને રજીસ્ટર્ડ અનરેગ્નાઈઝ્ડ(અમાન્ય) કહેવામાં આવે છે. આ પક્ષ ચૂંટણી પંચમાં રજીસ્ટર્ડ તો હોય છે પરંતુ ઓછા મતોને કારણે માન્યતા પ્રાપ્ત ગણાતા નથી. ગુજરાતમાં રજીસ્ટર્ડ થયેલા આવા પાંચ પક્ષોને છેલ્લા પાંચ વર્ષમાં યોજાયેલી બે લોકસભા અને એક વિધાનસભા ચૂંટણીમાં કુલ 22 હજાર મત મળ્યા હતા. તેમને રાજ્યમાં કુલ 17 ઉમેદવાર ઊભા રાખ્યા હતા. ADRના રિપોર્ટ મુજબ, 2019-20થી 2023-24 દરમિયાન આ 5 પક્ષોની કુલ આવક 2316 કરોડ છે. જ્યારે એક વર્ષની આવક 1158 કરોડ છે. દેશના આવા ટોપ-10 કમાણી કરતાં પક્ષોમાં ગુજરાતના 5 પક્ષ છે. જે પૈકી ભારતીય નેશનલ જનતા દળ 957 કરોડની આવકની દૃષ્ટિએ ટોપ ઉપર છે.
હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ