
જૂનાગઢ 12 નવેમ્બર (હિ.સ.) જૂનાગઢ જિલ્લામાં મતદાર યાદીની ખાસ સઘન સુધારણાની કામગીરી શરૂ છે. બીએલઓ દ્વારા ઘરે ઘરે જઈને એન્યુમરેશન ફોર્મ નું વિતરણ કરવામાં આવી રહ્યું છે. તેમજ મતદારોને આપવામાં આવેલા ગણતરી પત્રક એન્યુમરેશન ફોર્મ ભરીને બીએલઓને જમા કરવામાં આવી રહ્યું છે. જે અંતર્ગત જૂનાગઢ જિલ્લાના કલેક્ટર અનિલકુમાર રાણાવસિયા એ તેમનું ફોર્મ જરૂરી વિગતો સાથે ભરીને આજે બી.એલ.ઓને સુપરત કર્યું હતું.
આ તકે કલેક્ટર અનિલ કુમાર રાણાવસિયાએ જણાવ્યું હતું કે, મતદારો તેનું ફોર્મ યોગ્ય રીતે તકેદારી રાખીને ભરે તે જરૂરી છે. તેમજ ફોર્મ ભરવામાં સહાયતા જોઈએ તો બીએલઓ નો સંપર્ક કરવા પણ જણાવ્યું હતું.
આ સમગ્ર પ્રક્રિયામાં મતદારને કોઈપણ પ્રકારની મુશ્કેલી ન સર્જાય તથા ગેરસમજ ઉભી ન થાય તે માટે ચૂંટણી પંચ દ્વારા એક પહેલ ‘બુક અ કોલ વિથ BLO’ ની શરૂઆત કરવામાં આવી છે. આ સુવિધા દ્વારા મતદારોને SIR વિષયક મૂંઝવતા કોઈપણ પ્રશ્નનો ઘરે બેઠા જવાબ મેળવી શકશે.
પાત્રતા ધરાવતો કોઈ મતદાર રહી ન જાય અને પાત્રતા ન ધરાવતો મતદાર મતદારયાદીમાં સામેલ ન રહે તેવા ધ્યેય સાથે હાલ, બુથ લેવલ ઓફિસર્સ (BLO) ખૂબ જહેમત ઉઠાવી ઘરે-ઘરે પહોંચીને ગણતરી ફોર્મ (એન્યુમરેશન ફોર્મ)નું વિતરણ કરી નાગરિકોને આ ફોર્મ ભરવામાં મદદરૂપ બની રહ્યા છે. આ સમગ્ર પ્રક્રિયામાં મતદારોને ‘બુક અ કોલ વિથ BLO’ સુવિધા પણ ખૂબ મદદરૂપ સાબિત થઈ રહી છે.
બુક અ કોલ વિથ BLO પહેલનો લાભ લેવા માટે મતદારોએ સૌથી પહેલા ecinet.eci.gov.in પર જવું.હોમ પેજ પર દેખાતા બુક અ કોલ વિથ BLO વિકલ્પ પર ક્લિક કરવુ.રજિસ્ટર્ડ મોબાઈલ નંબર/ EPIC નંબર નાંખી, OTP મેળવવો.ત્યારબાદ પોર્ટલ પર નોંધાયેલી તમારી વિગતો દર્શાવવામાં આવશે. અંતે “બુક અ કોલ વિથ BLO” પર ક્લિક કરી કન્ફોર્મ કરો.તદુપરાંત એન્યુમરેશન ફોર્મ પર બુથ લેવલ ઓફિસરનો નંબર પણ આપવામાં આવે છે. જેના પર સંપર્ક કરીને મતદાર માર્ગદર્શન મેળવી શકે છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ