
પાટણ, 12 નવેમ્બર (હિ.સ.) સિદ્ધપુરમાં સરસ્વતી નદીના કિનારે આવેલા અષ્ટ ભૈરવ મંદિરે ભૈરવ જયંતિના અવસરે વિશેષ પૂજા અને હવનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ મંદિર દેશનું એકમાત્ર સ્થાન છે, જ્યાં સિદ્ધ અષ્ટક સાથે ભૈરવ દાદાના આઠ સ્વરૂપો બિરાજમાન છે. ભૈરવ જયંતિ નિમિત્તે મોટી સંખ્યામાં ભક્તો દર્શનાર્થે ઉમટી પડ્યા હતા.
આ મંદિર વાલ્કેશ્વર મહાદેવ મંદિરના સાનિધ્યમાં આવેલું છે. વાલ્કેશ્વર મંડળ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ વાર્ષિક હવનનું આયોજન થયું હતું. મંદિરના ટ્રસ્ટી હરિભાઈ ઉપાધ્યાયે જણાવ્યું કે લગભગ 60 હજાર વર્ષ પૂર્વે પ્રજાપતિએ ઢૂંઢ મુનિની મજાક કરી હતી, ત્યારબાદ મુનિનો ઉપદેશ સ્વીકારી આ આશ્રમનું નિર્માણ કરવામાં આવ્યું હતું.
ત્યારથી અષ્ટ ભૈરવ દાદાના મંદિરે દર મંગળવાર, રવિવાર અને ભૈરવ જયંતિના દિવસે વિશેષ પૂજન-અર્ચના થાય છે. ભક્તોને સિગારેટ, ચાબુક, સુખડી અને ખીચડીનો પ્રસાદ આપવામાં આવે છે, જ્યારે ભૈરવ દાદાને વસ્ત્રોથી સજાવી ભક્તો ભાવભેર પૂજા કરે છે.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ