
વડોદરા, 12 નવેમ્બર (હિ.સ.) : ભગવાન શ્રી બિરસા મુંડાની સાર્ધશતિ જન્મ શતાબ્દિની જિલ્લા કક્ષાની ઉજવણી ડભોઇ તાલુકામાં કાયાવરોહ પાસે આવેલા મેનપૂરા ગામ ખાતે 14 ના રોજ કરવામાં આવશે. આ કાર્યક્રમના સુચારૂ આયોજન માટે કલેક્ટર ડો. અનિલ ધામેલિયા અને જિલ્લા વિકાસ અધિકારી મમતા હિરપરાની અધ્યક્ષતામાં બેઠક યોજાઇ હતી.
આ અંગે માહિતી આપતા કલેક્ટરએ જણાવ્યું કે, ભગવાન શ્રી બિરસા મુંડાની 150મી જન્મ શતાબ્દિની સેવાના સંકલ્પ સાથે મેનપૂરા ગામે બપોરના ૪ વાગ્યાથી કરવામાં આવશે. આ માટે વિવિધ સેવાકીય કાર્યોનું આયોજન કરવામાં આવ્યું છે.
જેમાં મેનપૂરા ગામ ખાતે આ નિમિત્તે સવારથી જ આરોગ્ય કેમ્પ યોજાશે. જેમાં વિવિધ રોગોના નિદાન અને સારવાર કેમ્પ યોજાશે. ઉપરાંત સિકલસેલ એનિમિયાનો કેમ્પ પણ યોજાશે. તદ્દઉપરાંત આયુષ્માન કાર્ડ કાઢી આપવામાં આવશે.
મેનપૂરા ઉપરાંત આસપાસના ગામોના લાભાર્થીઓ માટે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સેવા સેતુ કેમ્પ યોજાશે. જેમાં સરકારની વિવિધ યોજનાના લાભો ઉપરાંત દાખલાઓ કાઢી આપવામાં આવશે.
બપોરે ચાર વાગ્યે જાહેર સભા યોજાશે. જેમાં આદિવાસી નૃત્યો સહિત તેજસ્વી તારલાઓનું સન્માન સહિતના કાર્યક્રમોનું આયોજન છે.
હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ