
ગીર સોમનાથ 13 નવેમ્બર (હિ.સ.) જિલ્લા કલેક્ટર એન.વી.ઉપાધ્યાયના અધ્યક્ષસ્થાને કલેક્ટર કચેરીના સભાખંડ ખાતે જિલ્લા સંચારી રોગ સમિતિ, ગવર્નિંગ બોડી કમિટી, જન્મ-મરણ જિલ્લા સંકલન સમિતિ સહિતની મેરેથોન બેઠકો યોજાઈ હતી.
સંચારી રોગ સમિતિની બેઠકમાં એપિડેમિક મેડિકલ ઓફિસર શ્રી ગૌસ્વામીએ વાહકજન્ય રોગના અટકાયતી ભાગરૂપે કરવામાં આવતા પ્રયત્નો, વેરાવળ સહિતના તમામ તાલુકાઓમાં ક્લોરિનેશન કામગીરી, પાણી પૃથક્કરણ, ક્લોરીનેશન અને લીકેજીસ, મેલેરિયા માટે સંવેદનશીલ ગામોમાં ફોકલ સ્પ્રે, રાતીધાર, રામપરા, ફાટસર, કાંધો ગામમાં જંતુનાશક દવાઓના છંટકાવ સહિતની માહિતી રજૂ કરી હતી.
કલેક્ટરએ પાણીના વિવિધ પ્રકારના ટેસ્ટ તેમજ ક્લોરીન ટેસ્ટ જો નેગેટિવ આવે તો એવા નમૂનાઓમાં તકેદારી રાખવા સાથે જ રોગચાળો ન ફેલાય એ માટે સર્વેલન્સ સઘન બનાવવા સૂચનાઓ આપી હતી.
જ્યારે જન્મ-મરણ જિલ્લા સંકલન સમિતિની બેઠકમાં વર્ષ ૨૦૨૫-૨૬ ઓક્ટોબર અંતિત થયેલા માતામરણ-બાળમરણ અંગે સમીક્ષા કરવામાં આવી હતી. જેમાં હાઈ રિસ્ક ડિલિવરીના અનુસંધાને કલેક્ટરશ્રીએ ઉપસ્થિત સર્વ ડોક્ટર્સને ખાસ તકેદારી અને સાવધાની રાખી અને કામગીરી કરવા માટે સૂચનાઓ આપી હતી.
ડિસ્ટ્રિક્ટ ટોબેકો કંટ્રોલ સ્ટિયરિંગ કમિટિની બેઠકમાં કલેક્ટરશ્રીએ શાળા-કોલેજો સહિતના શૈક્ષણિક સંકુલો આસપાસ ૧૦૦ મીટર વિસ્તારમાં તમાકુ પર પ્રતિબંધ અંતર્ગત સ્પેશ્યિલ એન્ટી ટૉબેકો ડ્રાઈવ યોજવા અને દંડ ફટકારવા સહિતની કાર્યવાહી કરવા તેમજ પાન-ગલ્લાઓમાં સરકાર દ્વારા નિયત કરેલા ચેતવણી બોર્ડ લગાવવા માટે ખાસ સૂચનાઓ આપી હતી.
ડિસ્ટ્રિક્ટ ક્વોલિટી એશ્યોરન્સ કમિટીની બેઠકમાં નેશનલ ક્વોલિટી એશ્યોરન્સ સ્ટાન્ડર્ડ, કાયાકલ્પ પ્રોગ્રામ અંતર્ગત કામગીરી, મહાત્મા ગાંધી સ્વચ્છતા મિશન, સ્વચ્છ ભારત અભિયાન સહિતની કામગીરીનો ચિતાર આપવામાં આવ્યો હતો.
આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી સ્નેહલ ભાપકર, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક યોગેશ જોશી, ડી.વાય.એસ.પી શ્રી ભાસ્કર વ્યાસ, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી પી.એન.બરૂઆ, પ્રજનન અને બાળ આરોગ્ય અધિકારી ડૉ. અરૂણ રોય, સિવિલ સુપ્રિટેન્ડન્ટ જિજ્ઞેશ પરમાર સહિત ડૉક્ટર્સ અને સંલગ્ન વિભાગના કર્મચારીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ