
પાટણ, 13 નવેમ્બર (હિ.સ.)પાટણ જિલ્લામાં લોહપુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતિની ઉજવણીની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. જિલ્લા પ્રભારી મંત્રી સ્વરૂપજી ઠાકોરની અધ્યક્ષતામાં કલેક્ટર કચેરી, પાટણ ખાતે મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી, જેમાં ઉજવણીના આયોજન અને જરૂરી વ્યવસ્થાઓ અંગે ચર્ચા કરવામાં આવી. આ બેઠકમાં પદયાત્રા અંગે વિગતવાર સૂચનો અપાયા અને વિવિધ કાર્યક્રમોની રૂપરેખા નક્કી કરવામાં આવી.
ઉજવણી અંતર્ગત તા. 17 થી 20 નવેમ્બર સુધી ચાણસ્મા, રાધનપુર, પાટણ અને સિદ્ધપુર વિધાનસભા વિસ્તારોમાં પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે, જે દરરોજ સવારે 8 વાગ્યે શરૂ થશે. પદયાત્રા દરમિયાન સરદાર પટેલના વિચારો અને જીવનમૂલ્યો જનમાનસ સુધી પહોંચાડવા માટે સાંસ્કૃતિક તેમજ લોકજાગૃતિ કાર્યક્રમો યોજાશે. આ યાત્રામાં સામાજિક અને ધાર્મિક આગેવાનો, સાધુ-સંતો, સ્વયંસેવકો અને સ્થાનિક લોકો જોડાશે.
જિલ્લા સ્તરે કાર્યક્રમની રૂપરેખા મુજબ 17 નવેમ્બરે ચાણસ્મા વિધાનસભા અંતર્ગત ગંગેટ ખાતે, 18 નવેમ્બરે રાધનપુર વિધાનસભાનો કાર્યક્રમ અલ્હાબાદ ખાતે, 19 નવેમ્બરે પાટણ વિધાનસભાનો કાર્યક્રમ નોરતા તળપદ ખાતે અને 20 નવેમ્બરે સિદ્ધપુર વિધાનસભાનો જિલ્લા કક્ષાનો કાર્યક્રમ ગાગલાસણ ખાતેથી પદયાત્રા શરૂ કરી ગોકુળ યુનિવર્સિટી ખાતે સમાપ્ત થશે.
પ્રભારી મંત્રી સ્વરૂપજી ઠાકોરે બેઠક દરમિયાન અધિકારીઓને જિલ્લા લોકોની સમસ્યાઓના સમયસર નિરાકરણ માટે ખાસ તકેદારી રાખવા જણાવ્યું હતું. તેમણે સરકારી કચેરીઓમાં સ્વચ્છતા જાળવવા તથા નાગરિકોના કામ સંતોષજનક રીતે થાય તે માટે જવાબદારીપૂર્વક વર્તવાનો આહ્વાન કર્યો. આ બેઠકમાં સાંસદ ભરતસિંહ ડાભી, જિલ્લા પંચાયત પ્રમુખ હેતલબેન ઠાકોર, ધારાસભ્ય લવિંગજી ઠાકોર તેમજ ઉચ્ચ અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ