
રાજકોટ,14 નવેમ્બર (હિ.સ.) વિછીયા તાલુકા પંચાયત કચેરીખાતે શ્રમ કૌશલ્ય વિકાસ અને રોજગાર વિકાસ તથા ગ્રામીણ વિકાસ મંત્રી કુંવરજી બાવળિયાના અધ્યક્ષ સ્થાને સમીક્ષા બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ સમીક્ષા બેઠકમાં મંત્રી બાવળિયાએ જણાવ્યું હતું કે, વીંછીયા તાલુકામાં આવનારા સમયમાં હાસલપુરથી ધારી સુધીના સમગ્ર વિસ્તારને પીવાનું પાણી પૂરતા પ્રમાણમાં મળી રહે તે માટે હાંસલપુર ખાતે નવા પંપીંગ સ્ટેશનનું ટેસ્ટિંગ ચાલી રહ્યું છે. ખૂબ જ નજીકના સમયમાં આખી સિસ્ટમ એક્ટિવેટ થવાથી ભાડેર, પાનેલી, ઓરી અને રેવાણિયા વિસ્તારના લોકોને ઘરે બેઠા પીવાનું પાણી પૂરતા પ્રમાણમાં મળી રહેશે. ગુજરાતના ગામો નંદનવન બને તે માટે રાજ્ય સરકાર કટીબધ્ધ છે.
બહેનો મિશન મંગલમ થકી મહત્તમ રોજગારી મેળવી શકે તે માટે જસદણ વીંછીયામાં પાયલોટ પ્રોજેક્ટ ટૂંક સમયમાં જ શરૂ કરવામાં આવશે. રોડની આજુબાજુ કચરાના રિસાયક્લિંગ માટે 16 લાખ રૂપિયાના ખર્ચે મશીનરી આપવામાં આવશે તેમજ પ્લાસ્ટિક રિસાયકલિંગ યુનિટ ચલાવવા માટે આઈ.ટી.આઈ. ખાતે તાલીમ પણ આપવામાં આવશે.
રાજકોટ જિલ્લાના જસદણ તાલુકાના કાસલોલીયા ગામ ખાતે 25 જેટલા બાયોગેસ પ્લાન્ટ બનાવવામાં આવ્યા છે, જેથી ગામમાં ઉકારડાઓ ઓછા થયા છે. એ છાણનો ઉપયોગ બાયોગેસ પ્લાન્ટમાં ફ્યુઅલ તરીકે કરવામાં આવે છે. આવી જ રીતે જસદણ વિછીયામાં અન્ય ગામોને પણ મોડેલ ગામ તરીકે વિકસાવવામાં આવશે.
હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ