
- ગીર જંગલના રહેણાક વિસ્તારોમાં સિંહોના આંટાફેરાથી પેટ્રોલિંગ વધારવા માગ
ઉના/અમદાવાદ,14 નવેમ્બર (હિ.સ.) ગુજરાતમાં ગીર ના જંગલમાં એશિયાટિક સિંહોની વસ્તીમાં વધારો થયો છે. ગીરનું જંગલ હવે જાણે સિંહો માટે નાનું પડી રહ્યું હોય એમ સિંહો હવે માનવ વસાહતની વધુ નજીક આવી રહ્યા છે. ગઇકાલે રાત્રે ગીર ગઢડા શહેર જાણે સિંહોનું બીજું ઘર બની ગયું હોય એવાં દૃશ્યો રોજબરોજ સામે આવી રહ્યાં છે. ગીર ગઢડા શહેરના એસટી બસ સ્ટેન્ડ નજીક આવેલા ઘનશ્યામનગર વિસ્તારમાં એક-બે નહીં, પરંતુ 11 સિંહનું આખું જૂથ લટાર મારવા નીકળતાં લોકો રોમાંચિત થઈ ઊઠ્યા હતા.
આ અદભુત ઘટના ગઈરાત્રે લગભગ 10થી 11 વાગ્યાની આસપાસ બની હતી. ગીર ગઢડાના ઘનશ્યામનગરમાં સિંહણ અને સિંહબાળ સહિત 11 સિંહનું ટોળું બિનધાસ્તપણે ફરી રહ્યું હતું. આ દુર્લભ અને રોમાંચક દૃશ્યો ત્યાંના સ્થાનિક વન્યપ્રેમી કાર્યકરે પોતાના મોબાઈલ કેમેરામાં કેદ કરી લીધાં હતાં. આ વીડિયો હવે સોશિયલ મીડિયા પર વાઇરલ થઈ રહ્યો છે.
ગીર ગઢડા અને એના મોટા ભાગના ગ્રામ્ય વિસ્તારો ગીર જંગલને અડીને આવેલા છે, જેના કારણે આ વિસ્તાર સિંહોની અવરજવર માટે જાણીતો બન્યો છે.
છેલ્લા બે દિવસથી ગીર ગઢડાના અલગ-અલગ સોસાયટી વિસ્તારો સિંહોની હાજરીથી ધમધમી રહ્યા છે:
પ્રમુખ પાર્ક: ગત રાત્રિએ જ પ્રમુખ પાર્ક વિસ્તારમાં એક સિંહ યુગલ (સિંહ-સિંહણ) જોવા મળ્યું હતું.
વન્યજીવ નિષ્ણાતોના મતે, સિંહોને જંગલની અંદર શિકાર કરવા કરતાં ગ્રામ્ય કે શહેરી વિસ્તારોમાં પશુઓનો શિકાર સરળતાથી મળી રહે છે, આ જ કારણે તેઓ માનવ વસાહત તરફ આકર્ષાય છે.વન વિભાગનાં સૂત્રોએ પણ ગીર ગઢડામાં 11 સિંહના જૂથની હાજરીની પુષ્ટિ કરી છે. જાણ થતાં જ વન વિભાગની ટીમ તાત્કાલિક ઘનશ્યામનગર વિસ્તારમાં પહોંચી હતી, પરંતુ ત્યાં સુધીમાં સિંહોનું આ શાહી જૂથ ત્યાંથી આગળ નીકળી ગયું હતું.વારંવાર રહેણાક વિસ્તારોમાં સિંહો દેખાતા હોવાથી માનવ અને વન્યજીવ બંનેની સલામતી જળવાઈ રહે એ માટે વન વિભાગ દ્વારા સિંહ પ્રભાવિત વિસ્તારોમાં રાત્રિ પેટ્રોલિંગ વધારવામાં આવે એવી સ્થાનિકો દ્વારા પ્રબળ માગ ઊઠી રહી છે.
હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ