
પાટણ, 14 નવેમ્બર (હિ.સ.) : પાટણ શહેરની લાંબા સમયથી પડતર ટ્રાફિક સમસ્યાને ધ્યાનમાં લઈ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે શિહોરીથી ઊંઝા સુધીના મહત્વપૂર્ણ બાયપાસ પ્રોજેક્ટને સૈદ્ધાંતિક મંજૂરી આપી છે. આ બાયપાસથી શહેરમાં ટ્રાફિક જામ અને અકસ્માતોમાં મોટી રાહત મળશે.
હાલમાં પાટણના મુખ્ય માર્ગો પરથી દરરોજ 2000થી વધુ ભારે ટ્રકો અને વાહનો પસાર થાય છે, જેના કારણે શહેરમાં ગંભીર ટ્રાફિક સમસ્યા અને અકસ્માતો વધી રહ્યા છે. સ્થાનિક રાજકારણીઓ, નગરપાલિકા અને જિલ્લાના અધિકારીઓએ મુખ્યમંત્રી સમક્ષ બાયપાસ માટે બે વખત રજૂઆત કરી હતી.
મુખ્યમંત્રીની મંજૂરી બાદ હવે જમીન સંપાદન પ્રક્રિયા શરૂ થશે. હુડકોના ચેરમેન કે.સી. પટેલે જણાવ્યું કે ખર્ચની જોગવાઈ અને વન વિભાગ સંબંધિત તમામ વ્યવસ્થાઓ ઝડપથી પૂર્ણ કરીને આ પ્રોજેક્ટ પાટણ જિલ્લામાં મહત્વપૂર્ણ સાબિત થશે.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ