
સોમનાથ 14 નવેમ્બર (હિ.સ.) રાષ્ટ્રનિર્માણમાં આદિજાતિ સમાજના ગૌરવપૂર્ણ યોગદાનને જન-જન સુધી પહોંચાડવાના ઉદ્દેશ્ય સાથે ભગવાન બિરસા મુંડાની ૧૫૦મી જન્મજયંતિની ઉજવણી નિમિત્તે ગીર સોમનાથ જિલ્લાના માધુપુર ખાતે જિલ્લા પંચાયત પ્રમુખ મંજૂલા મૂછારના અધ્યક્ષસ્થાને ‘જનજાતીય ગૌરવ વર્ષ મહોત્સવ’ની ઉજવણી થઈ હતી.
ભગવાન બિરસા મુંડાની ૧૫૦મી જન્મજયંતિ નિમિત્તે આદિજાતિ વિસ્તારના ગામોને આવરી લેતાં મહાનુભાવોના હસ્તે રૂ. ૪.૦૮ કરોડના ૮૭ કામના ઈ-ખાતમુહૂર્ત અને રૂ.૧.૬૩ કરોડના ૪૪ કામના ઈ-લોકાર્પણ કરાયા હતાં.
જિલ્લા પંચાયત પ્રમુખ મંજૂલા મૂછારે ભગવાન બિરસા મુંડાના જીવનકવનને યાદ કરતા જણાવ્યું હતું કે, ઝારખંડના જમુઈ વિસ્તારના ખૂંટી ખાતે સામાન્ય આદિવાસી પરિવારમાં જન્મેલા ભગવાન બિરસા મુંડાએ નાની ઉંમરે અન્યાયની ગર્તામાં ધકેલતા અંગ્રેજો અને જમીનદારો સામે બાથ ભીડી હતી. તેમણે શસ્ત્ર ઉપરાંત સમાજમાં જાગૃતિ અને શિક્ષણના માધ્યમથી ક્રાંતિની જનચેતના ફેલાવી હતી.
ભગવાન બિરસા મુંડાનું સમગ્ર જીવન એ સાહસ સ્વાભિમાન અને એકતાનું પ્રતિક છે. સરકાર દ્વારા આદિજાતિ માટે શૈક્ષણિક સહાય, વિદેશ સહાય, ઉચ્ચ અભ્યાસ માટેની સહાય જેવી અનેક જનકલ્યાણલક્ષી યોજનાઓ અમલમાં મૂકવામાં આવી છે. આદિજાતિના ઉત્કર્ષ માટે સરકાર સતત પ્રતિબદ્ધ બની છે. એમ કહી તેમણે સરકારની યોજનાઓનો વધુને વધુ લાભ લેવા ઉપસ્થિત સર્વેને અપીલ કરી હતી.
ધારાસભ્ય ભગવાન બારડે જણાવ્યું હતું કે, આ વર્ષે ભગવાન બિરસા મુંડાની ૧૫૦મી જન્મજયંતિ નિમિત્તે રાજ્યમાં ‘જનજાતીય ગૌરવ વર્ષ’ તરીકે ખૂબ ઉત્સાહભેર ઉજવણી થઇ રહી છે. વડાપ્રધાનએ વર્ષ ૨૦૪૭ સુધીમાં વિકસિત ભારતના નિર્માણ માટે આપેલા સંકલ્પમાં આદિવાસી બાંધવોના સર્વાંગી વિકાસ અને જનભાગીદારી નિશ્ચિત કરવી જરૂરી છે. આદિજાતિ સમાજના લોકો શિક્ષણ, રમતગમત અને વ્યવસાયમાં આગળ આવે એ માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં અનેક યોજનાઓ કાર્યરત છે.
જે રીતે દેશ પ્રથમની ભાવના સાથે ભગવાન બિરસા મુંડાએ કાર્ય કર્યું છે. એ જ ભાવના સાથે આપણે સૌએ સાથે મળી અને દેશ માટે નિષ્ઠાપૂર્વક અને પ્રામાણિકતાથી કામ કરવા માટે એકતા દર્શાવવાની ધારાસભ્યએ અપીલ કરી હતી.
જિલ્લા કલેક્ટર એન.વી.ઉપાધ્યાયે શાબ્દિક સ્વાગત કરી આદિવાસીઓના મહાનાયક ભગવાન બિરસા મુંડાના મૂલ્યોને ઉર્જા બનાવી અને એમણે સ્થાપિત કરેલા આદર્શ પર આગળ વધવાની ઉપસ્થિત સર્વેને શુભેચ્છાઓ પાઠવી હતી.
મહાનુભાવોના હસ્તે પીએમ જનમન અને આદિમજૂથ આવાસ યોજનાના લાભાર્થીઓને લાભો એનાયત કરવાની સાથે જ આદિજાતિ સમાજના તેજસ્વી તારલાઓ, પ્રતિભાશાળી રમતવીરો, પ્રગતિશીલ ખેડૂતોને અને અન્ય ક્ષેત્રમાં ઉત્કૃષ્ટ કામગીરી દાખવનાર વ્યક્તિઓને પ્રમાણપત્ર આપી સન્માનિત કરાયા હતાં.
આ તકે, ઉપસ્થિત સર્વેએ ભગવાન બિરસા મુંડાના જીવન-સંઘર્ષ અને સંસ્કૃતિ અંગે ફિલ્મનું નિદર્શન નિહાળ્યું હતું તેમજ સરકારી પ્રાથમિક શાળાના શિક્ષક હિરાભાઈ બોરિચાએ સંચાલન સાથે બિરાસા મુંડાનું જીવન કવન શાબ્દિક રીતે રજૂ કર્યું હતું. અંતે આભારવિધિ પ્રાંત અધિકારી વિનોદ જોશી દ્વારા કરવામાં આવી હતી.
આ કાર્યક્રમની સાથે જ આરોગ્ય વિભાગ દ્વારા એનિમિયા તપાસ સહિતની આરોગ્ય તપાસ, સેવાસેતુ, રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન, મુખ્યમંત્રી એપ્રેન્ટીસશીપ યોજના, આઈ.સી.ડી.એસ સહિતના સ્ટોલના માધ્યમથી નાગરિકોને સરકારની વિવિધ યોજનાઓની માહિતી અને લાભ આપવામાં આવ્યાં હતાં.
આ કાર્યક્રમમાં જિલ્લા વિકાસ અધિકારી સ્નેહલ ભાપકર, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક યોગેશ જોશી, નાયબ જિલ્લા વિકાસ અધિકારી ડી.પી.ચૌહાણ, પ્રાયોજના અધિકારી આર.એસ.સોલંકી, માધુપુર-જાંબુર સરપંચ વિમલ વડોદરિયા, તાલુકા પંચાયત પ્રમુખ સંજય પરમાર, મહેન્દ્ર પીઠિયા સહિતના અગ્રણીઓ અને મોટી સંખ્યામાં આદિજાતિ સમુદાયના નાગરિકો ઉપસ્થિત રહ્યાં હતા.
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ