

- ભગવાન બિરસા મુંડાજીની 150મી જન્મજયંતિની ઐતિહાસિક ઉજવણીમાં સહભાગી થવા ગ્રામજનોને ભાવભીનું આમંત્રણ પાઠવતા નાયબ મુખ્યમંત્રી સંઘવી- ભગવાન બિરસા મુંડાની જન્મજયંતિની ઉજવણીનો ઉત્સવ આદિવાસી સમાજની સાથે દેશના સમગ્ર નાગરિકોનો છે - હર્ષ સંઘવી
રાજપીપલા, 14 નવેમ્બર (હિ.સ.) : ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ ગરૂડેશ્વર તાલુકાના ઇન્દ્રવર્ણા ગામે 13 નવેમ્બરે રાત્રે ખાટલા પરિષદ યોજી ગ્રામજનોને દેડિયાપાડા ખાતે આયોજિત ભગવાન બિરસા મુંડાજીની 150મી જન્મ જયંતિની ઐતિહાસિક ઉજવણીમાં સહભાગી થવા હાર્દિક આમંત્રણ પાઠવ્યું હતું. આ પ્રસંગે રાજ્યના આદિજાતિ વિકાસ મંત્રી નરેશ પટેલ પણ ઉપસ્થિત રહ્યાં હતા.
શિયાળાની ઠંડી રાત્રીમાં હર્ષ સંઘવીના પ્રેરક સંબોધનથી ગ્રામજનોનું ઉષ્માવર્ધન થયું હતું. સંઘવીએ ગ્રામજનોને સંબોધતા જણાવ્યું કે, દેશ અને આદિવાસી સમાજના ઉન્નતિ માટે પોતાના જીવનનું અવિસ્મરણીય યોગદાન આપનાર ભગવાન બિરસા મુંડા કરોડો લોકો માટે પ્રેરણારૂપ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભગવાન બિરસા મુંડાની 150મી જન્મ જયંતિ ભવ્ય રીતે ઉજવવાનો નિર્ણય કર્યો છે.
નાયબ મુખ્યમંત્રીએ કહ્યું કે, જેમ અખંડ ભારતના શિલ્પી લોહપુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મ જયંતિ વિશ્વની સૌથી વિરાટ પ્રતિમા, સ્ટેચ્યુ ઓફ યુનિટીની સાનિધ્યમાં રાષ્ટ્રીય સ્તરે ઉજવાઈ હતી, તેમ હવે આ જ પાવન ધરતી પર ભગવાન બિરસા મુંડાની જન્મ જયંતિની ઉજવણી ઐતિહાસિક બનશે.
હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ