નવસારી: દેવસરમાં માતા દ્વારા બે માસૂમ સંતાનોની હત્યા, સસરાની હત્યા કરવાનો પણ પ્રયાસ
નવસારી, 14 નવેમ્બર (હિ.સ.) : નવસારી જિલ્લાના બીલીમોરા નજીક આવેલા દેવસર ગામમાં એક હૃદયદ્રાવક અને ચોંકાવનારી ઘટના સામે આવી છે, જેમાં એક માતાએ મધરાતે પોતાના જ બે માસૂમ બાળકોની ગળું દબાવી હત્યા કરી નાખી છે. આ ઘટના દેવસરના મહારાજા એપાર્ટમેન્ટમાં રાત્રે
બે માસૂમ સંતાનોની હત્યા


નવસારી, 14 નવેમ્બર (હિ.સ.) : નવસારી જિલ્લાના બીલીમોરા નજીક આવેલા દેવસર ગામમાં એક હૃદયદ્રાવક અને ચોંકાવનારી ઘટના સામે આવી છે, જેમાં એક માતાએ મધરાતે પોતાના જ બે માસૂમ બાળકોની ગળું દબાવી હત્યા કરી નાખી છે. આ ઘટના દેવસરના મહારાજા એપાર્ટમેન્ટમાં રાત્રે લગભગ 1 વાગ્યે બની હોવાનું જાણવા મળ્યું છે.

પ્રાથમિક માહિતી મુજબ, મહિલાને મધરાતે ભયાનક સપનું આવ્યું હતું. સપનામાં કથિત રીતે તેને “તારા બાળકોને મારી નાખ” એવો આદેશ મળ્યો હતો. સપનામાંથી જાગતાં જ મહિલાએ બાજુમાં સૂઈ રહેલા આશરે 4 અને 7 વર્ષના પોતાના બે બાળકોનું ગળું દબાવી દીધું, જેના કારણે બંનેનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત થયું હતું.

ઘટના બાદ મહિલાએ ઘરમાં હાજર પોતાના સસરાને પણ જાનથી મારી નાખવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ સસરાએ સમયસૂચકતા વાપરી ઘરની બહાર ભાગી છૂટતાં તેમનો જીવ બચી ગયો. સસરાએ બહાર આવી પોકાર કરતાં પડોશીઓ અને એપાર્ટમેન્ટવાસીઓ તરત દોડી આવ્યા. લોકોએ ઘરમાં જઈ જોયું ત્યારે બંને બાળકો મૃત હાલતમાં પડ્યા હતા, જેને જોઈને સૌ કોઈ સ્તબ્ધ થઈ ગયા.

આ દરમિયાન લોકો ભેગા થતા મહિલાએ ઘરના દરવાજા બંધ કરી દીધા હતા. ત્યારબાદ પોલીસ પહોંચી ત્યારે મહિલાને ગળે ફાંસો મૂકીને આત્મહત્યા કરવાનો પ્રયત્ન કરતી જોવા મળી હતી. પોલીસે તાત્કાલિક પગલાં લઈને મહિલાનો જીવ બચાવ્યો અને તેને કાબુમાં લીધો.

ઘટનાની જાણ થતાં જ બીલીમોરા પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી. પોલીસે બંને બાળકોના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડ્યા અને આરોપી માતાને ઝડપી પાડી હત્યાનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. મહિલાની માનસિક સ્થિતિ અથવા અન્ય કોઈ પરિસ્થિતિ આ ઘટનાને જવાબદાર છે કે નહીં, તે અંગે પણ તપાસ શરૂ કરવામાં આવી છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે


 rajesh pande