મતદારયાદી સુધારણાનો બોજ શિક્ષકો ઉપર નાખવો આઘાતજનક બાબત : શિક્ષણ સંઘ પ્રમુખ
જામનગર, 14 નવેમ્બર (હિ.સ.) : ગુજરાતના શિક્ષણની જુદા-જુદા કારણોસર દાયકાઓથી બૂરી વલે થઈ રહી છે પરંતુ ગાંધીનગર આ બાબતે ચિંતિત ન હોવાની અફસોસજનક હાલત વચ્ચે હાલ શિક્ષણ પર વધુ એક મોટી ‘ઘાત’ પડી છે. લાખો બાળકોના શિક્ષણનો ભોગ લેવામાં આવ્યો છે. આ વખતે રાજ્
શિક્ષક સંઘ પ્રમુખ


જામનગર, 14 નવેમ્બર (હિ.સ.) : ગુજરાતના શિક્ષણની જુદા-જુદા કારણોસર દાયકાઓથી બૂરી વલે થઈ રહી છે પરંતુ ગાંધીનગર આ બાબતે ચિંતિત ન હોવાની અફસોસજનક હાલત વચ્ચે હાલ શિક્ષણ પર વધુ એક મોટી ‘ઘાત’ પડી છે. લાખો બાળકોના શિક્ષણનો ભોગ લેવામાં આવ્યો છે. આ વખતે રાજ્યના શિક્ષણને એસઆઇઆર એટલે કે મતદારયાદીનું સઘન પુન:નિરીક્ષણ નડી ગયું છે.

જામનગર જિલ્લાની જ સ્થિતિઓ જોઈએ તો તા. 4 નવેમ્બરથી સમગ્ર જિલ્લામાં મતદાર યાદી નવેસરથી આધુનિક બનાવવામાં આવી રહી છે. આ કામગીરીઓ 7 ફેબ્રુઆરી સુધી ચાલશે. આ 96 દિવસ સુધી હજારો બાળકો ભણી શકશે નહીં. શાળાઓ ‘પાંજરાપોળ’ બની જશે. કારણ કે, 95 ટકા શિક્ષકોને એસઆઈઆર કામગીરીઓમાં રોકી લેવામાં આવ્યા છે ! ટૂંકમાં, સરકાર અને રાજ્ય ચૂંટણીપંચને લાખો બાળકોના શિક્ષણની કોઈ જ ચિંતાઓ નથી.

કેન્દ્રીય ચૂંટણીપંચ અને રાજ્ય ચૂંટણીપંચમાં એવી વ્યવસ્થાઓ છે કે, ચૂંટણીઓ સંબંધિત કામગીરીઓમાં શિક્ષક ઉપરાંત રાજ્ય સરકારના જુદાજુદા 18 કેડરના કર્મચારીઓને ચૂંટણીઓની કામગીરીઓ સોંપી શકાય છે.

આમ છતાં સરકારે પ્રાથમિક શાળાઓના 95 ટકા શિક્ષકોને એસઆઈઆર કામગીરીઓમાં જોતરી દીધાં. લાખો બાળકોનું શિક્ષણ રામભરોસે !! છેક ફેબ્રુઆરી-2026 ની 7 તારીખ સુધી !!આ સમગ્ર વિષય અતિ ગંભીર છે. આ બાબતે રાજ્યના પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ દિગ્વિજયસિંહ જાડેજાએ નોંધપાત્ર નિવેદન આપ્યું છે અને સરકારમાં રજૂઆત પણ કરી છે. એમના જણાવ્યા અનુસાર, વર્ષ દરમ્યાન શિક્ષકોને વિવિધ 118 પ્રકારની કામગીરીઓ સરકાર દ્વારા સોંપવામાં આવે છે.

તેમણે જણાવ્યું કે, હાલમાં એસઆઈઆરની કામગીરીઓ અંતર્ગત દરેક શિક્ષકે સવારના 8 થી રાત્રિના 8 સુધી એમ કુલ બાર કલાક ‘કામ’ કરવાનું. અને, દર બે કલાકે આ કામગીરીઓનો રિપોર્ટ ચૂંટણીપંચના સ્થાનિક એકમને આપવાનો. આ પ્રકારની વ્યવસ્થાઓ ગોઠવવામાં આવી હોય, બાળકોના શિક્ષણનો ભોગ લેવાઈ ગયો છે.

આ ઉપરાંત તેમણે જણાવ્યું કે, આ પ્રકારની કામગીરીઓ સરકારે શિક્ષકોના બદલે કરાર આધારિત કર્મચારીઓને સોંપવી જોઇએ અથવા રાજ્યમાં આ કામગીરીઓ માટે કોઈ ખાનગી એજન્સીની નિમણૂક કરી દેવી જોઈએ અથવા સરકારી કર્મચારીઓની અન્ય અઢાર કેડરનો પણ આ કામગીરીઓ માટે જરૂરિયાત મુજબ ઉપયોગ કરવો જોઈએ. કારણ કે, બધો જ બોજ શિક્ષકો પર લાદી દેવાથી લાખો બાળકોના શિક્ષણ સંબંધે સવાલો ઉભા થઈ રહ્યા છે.

હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt


 rajesh pande