
રાજકોટ,14 નવેમ્બર (હિ.સ.) રાજ્ય સરકાર દ્વારા રાજયકક્ષાની છઠ્ઠી ઓસમ આરોહણ-અવરોહણ સ્પર્ધાનું આયોજન કરાયું છે. જેમાં 14 થી 18 વર્ષનાં જુનિયર વિભાગનાં ભાઈઓ- બહેનો ભાગ લઈ શકશે. સ્પર્ધકોએ 5 ડિસેમ્બર સુધીમાં અરજી મોકલવાની રહેશે.
રમતગમત, યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ તેમજ કમિશનર,યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ દ્રારા આયોજીત અને જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી,રાજકોટ ગ્રામ્ય સંચાલિત આ સ્પર્ધા યોજાશે.
સ્પર્ધામાં 14 થી 18 વર્ષની વયમર્યાદા ધરાવતાં ભાઈઓ - બહેનો આ સ્પર્ધામાં ભાગ લઈ શકશે. છઠ્ઠી ઓસમ આરોહણ-અવરોહણ સ્પર્ધામાં ભાગ લેવા સ્પર્ધકોએ રાજકોટ જિલ્લાનાં ધોરાજી તાલુકાનાં પાટણવાવ ગામે આવેલ ઓસમ પર્વત ખાતે સ્વખર્ચે આવવા-જવાનું રહેશે. સ્પર્ધા દરમ્યાન નિવાસ અને ભોજન રાજય સરકાર તરફથી આપવામાં આવશે.
ગુજરાતનાં ઈડર, પાવાગઢ, ચોટીલા અને ગીરનાર ખાતે આયોજીત રાજયકક્ષાની આરોહણ – અવરોહણ સ્પર્ધા:2025-26 માં જુનીયર કક્ષાએ ભાગ લેનાર સ્પર્ધકોએ રાજયકક્ષા છઠ્ઠી ઓસમ આરોહણ-અવરોહણ સ્પર્ધા:2025-26 માં ભાગ લેવાનો રહેશે નહિ.
આ સ્પર્ધામાં 1 થી 10 ક્રમે વિજેતા થનાર સ્પર્ધકો(ભાઈઓ-બહેનો) રાષ્ટ્રીય કક્ષાની ગીરનાર આરોહણ - અવરોહણ સ્પર્ધામાં સીધો જ પ્રવેશ આપવામાં આવશે.
હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ