
પાટણ, 14 નવેમ્બર (હિ.સ.) પાટણ તાલુકાના મહેમદપુર ગામમાં અજાણ્યા ચોરોએ દશરથભાઈ રાઠોડના બંધ મકાનને નિશાન બનાવી ₹80,500ના રોકડ અને સોના-ચાંદીના દાગીનાની ચોરી કરી. ઘટના દિવસ દરમિયાન બની, જ્યારે દશરથભાઈ ખેતરે ગયા હતા. ચોરોએ ઘરના પાછળના દરવાજાની લોખંડની જાળી તોડી ઘરમાં પ્રવેશ કર્યો.
ચોરોએ ઘરમાં પ્રવેશ્યા પછી લોખંડની બે તિજોરીઓના લોક તોડી, રોકડ રકમ, સોના-ચાંદીના દાગીના અને મહત્વપૂર્ણ દસ્તાવેજો ચોરી લીધા. ચોરાયેલા સામાનમાં ₹10,000 રોકડ, આશરે 5 ગ્રામનું ₹48,000 કિંમતનું મંગળસૂત્ર અને 30 ગ્રામની ₹3,500ની ચાંદીની બંગડી સામેલ છે.
આ ઉપરાંત, 70 ગ્રામની ₹8,000ની ચાંદીની પાયલ, ₹3,000નો ચાંદીનો પંજો, ₹1,000ની સોનાની ચૂની, ₹3,000ની ચાંદીની માળા, ₹1,000ના પાંચ જૂના ચાંદીના સિક્કા અને ₹3,000નું સોનાનું ‘ઓમ’ પણ ચોરાયા. બેંક પાસબુક અને સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ પણ ઉઠાવી લેવાયા. દશરથરાઠોડે પાટણ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે અને પોલીસ તપાસ ચાલુ છે.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ