
પટણા, નવી દિલ્હી, 14 નવેમ્બર (હિ.સ.). 2025 બિહાર વિધાનસભા ચૂંટણીના પરિણામો આજે રાત્રી સુધીમાં જાહેર થવાની ધારણા છે. કુલ 243 વિધાનસભા બેઠકો માટે બે તબક્કામાં યોજાનારી ચૂંટણીના મતગણતરી પર બધાની નજર છે. આ વખતે કુલ 2,616 ઉમેદવારોએ ચૂંટણી લડી હતી. રાજ્યના 38 જિલ્લાઓમાં સ્થાપિત 46 કેન્દ્રો પર સવારે આઠ વાગ્યે મતગણતરી શરૂ થઈ હતી. હાલમાં, પોસ્ટલ બેલેટની ગણતરી થઈ રહી છે. ઇલેક્ટ્રોનિક વોટિંગ મશીન (ઈવીએમ) માંથી મતગણતરી અડધા કલાક પછી શરૂ થશે. ભારતના ચૂંટણી પંચે મુક્ત અને ન્યાયી મતગણતરી સુનિશ્ચિત કરવા માટે કડક સુરક્ષા વ્યવસ્થા કરી છે. મતગણતરી પ્રક્રિયા પારદર્શક બનાવવામાં આવી છે.
બિહારના મુખ્ય ચૂંટણી અધિકારીના કાર્યાલયે જણાવ્યું હતું કે, ભારતના ચૂંટણી પંચના નિર્દેશો અનુસાર મતગણતરી શરૂ થઈ ગઈ છે. મતગણતરી કેન્દ્રો પર સુરક્ષા અને પારદર્શિતા સુનિશ્ચિત કરવા માટે કડક પ્રોટોકોલ સ્થાપિત કરવામાં આવ્યા છે. કોઈને પણ મતગણતરી સ્થળે મોબાઇલ ફોન લઈ જવાની મંજૂરી નથી. મતગણતરી પ્રક્રિયાનું નિરીક્ષણ સીસીટીવી અને વીડિયોગ્રાફી દ્વારા કરવામાં આવશે. આ સમયગાળા દરમિયાન કંટ્રોલ રૂમ સક્રિય રહેશે. રાજ્યમાં કુલ 243 મતગણતરી નિરીક્ષકોની નિમણૂક કરવામાં આવી છે.
દરેક મતગણતરી હોલમાં ઈવીએમ મતગણતરી માટે 15 ટેબલ છે. 14 ટેબલ પર મતગણતરી શરૂ થઈ ગઈ છે. સહાયક રિટર્નિંગ અધિકારીઓ એક ટેબલનું સંચાલન કરવા માટે જવાબદાર રહેશે. બધા મતગણતરી કેન્દ્રો પર ત્રિ-સ્તરીય સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે. પ્રથમ ઝોનમાં કેન્દ્રીય અર્ધલશ્કરી દળો, બીજા ઝોનમાં બિહાર લશ્કરી પોલીસ અને ત્રીજા ઝોનમાં જિલ્લા પોલીસ દળો તૈનાત છે.
લગભગ તમામ એક્ઝિટ પોલમાં ભારતીય જનતા પાર્ટી (ભાજપ) ની આગેવાની હેઠળના રાષ્ટ્રીય લોકશાહી જોડાણ (એનડીએ) માટે જંગી વિજયની આગાહી કરવામાં આવી છે. એવું કહેવાય છે કે, એનડીએ ફરી એકવાર પ્રચંડ બહુમતી સાથે સરકાર બનાવી શકે છે. બિહારમાં, મુખ્યમંત્રી નીતિશ કુમારના નેતૃત્વ હેઠળના એનડીએમાં જનતા દળ-યુનાઇટેડ, ભાજપ, લોક જનશક્તિ પાર્ટી (રામવિલાસ), હિન્દુસ્તાન આવામી મોરચા અને રાષ્ટ્રીય લોક મોરચાનો સમાવેશ થાય છે. એનડીએ ને કોંગ્રેસના નેતૃત્વ હેઠળના મહાગઠબંધન તરફથી મજબૂત સ્પર્ધાનો સામનો કરવો પડી રહ્યો છે. આ ચૂંટણી ભૂતપૂર્વ મુખ્યમંત્રી લાલુ પ્રસાદ યાદવના રાષ્ટ્રીય જનતા દળ (આરજેડી) ના નેતા તેજસ્વી યાદવનું રાજકીય ભવિષ્ય પણ નક્કી કરશે, જે મહાગઠબંધનનો ભાગ છે. તેજસ્વી, લાલુ અને રાબડી દેવીના પુત્ર છે. તેજસ્વીની માતા રાબડી દેવી પણ મુખ્યમંત્રી રહી ચૂકી છે.
આ ચૂંટણીમાં મતદાનની ઊંચી ટકાવારી (67.13 ટકા) રાજકીય સમીકરણોને જટિલ બનાવી દે છે. વિશ્લેષકો માને છે કે, મહિલાઓ અને યુવાનોના મત નિર્ણાયક ભૂમિકા ભજવી શકે છે. મુખ્ય ચૂંટણી અધિકારીએ જણાવ્યું હતું કે મોડી રાત સુધીમાં પરિણામો ઔપચારિક રીતે જાહેર કરવામાં આવશે. 14 વિધાનસભા બેઠકો ધરાવતા પટણામાં બિહારના 38 જિલ્લાઓમાં સૌથી વધુ બેઠકો છે. પટણા જિલ્લા મેજિસ્ટ્રેટ ત્યાગરાજન એસએમએ જણાવ્યું હતું કે, પટણા જિલ્લાની મોકામા બેઠકના પરિણામો પહેલા જાહેર કરવામાં આવશે, અને દિઘા બેઠક છેલ્લે. પટણાના એએન કોલેજમાં મતગણતરી શરૂ થઈ ગઈ છે.
હિન્દુસ્થાન સમાચાર / મુકુંદ
હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ