અમરેલી ખાતે રાજ્ય ઉર્જા મંત્રી કૌશિક વેકરિયાની ઉપસ્થિતિમાં વીજતંત્રની સમીક્ષા બેઠક યોજાઈ
અમરેલી,2 નવેમ્બર (હિ.સ.) આજરોજ અમરેલી ખાતે રાજ્યના ઉર્જા મંત્રી કૌશિક વેકરિયાની વિશેષ ઉપસ્થિતિમાં વીજતંત્ર સંબંધિત મહત્વપૂર્ણ સમીક્ષા બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં રાજકોટ વિભાગીય કચેરીના મેનેજિંગ ડિરેક્ટર (M.D.), GETCO તથા PGVCL ના વરિષ્ઠ અધિકારીઓ, જ
અમરેલી ખાતે રાજ્ય ઉર્જા મંત્રી કૌશિક વેકરિયાની ઉપસ્થિતિમાં વીજતંત્રની સમીક્ષા બેઠક યોજાઈ


અમરેલી,2 નવેમ્બર (હિ.સ.) આજરોજ અમરેલી ખાતે રાજ્યના ઉર્જા મંત્રી કૌશિક વેકરિયાની વિશેષ ઉપસ્થિતિમાં વીજતંત્ર સંબંધિત મહત્વપૂર્ણ સમીક્ષા બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં રાજકોટ વિભાગીય કચેરીના મેનેજિંગ ડિરેક્ટર (M.D.), GETCO તથા PGVCL ના વરિષ્ઠ અધિકારીઓ, જિલ્લા અધિકારીઓ તથા સ્થાનિક તંત્રના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા.

બેઠક દરમિયાન જિલ્લાના ગ્રામ્ય તેમજ શહેરી વિસ્તારોમાં વીજ પુરવઠાની હાલની સ્થિતિ, જાળવણીની કામગીરી, લાઇન લોસ ઘટાડવાના પ્રયાસો તેમજ આવનારી શિયાળાની સીઝન દરમિયાન વિજળી પુરવઠો સુચારુ રહે તે માટેની તૈયારી અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી. મંત્રીએ અધિકારીઓને સૂચના આપી કે ગ્રામ્ય વિસ્તારોમાં વારંવાર થતી વીજ ખામીઓને ઝડપી ઉકેલવા માટે તકેદારી રાખવામાં આવે અને ગ્રાહકોને અવરોધરહિત વિજ પુરવઠો ઉપલબ્ધ કરાવવામાં આવે.

ઉર્જા મંત્રીએ GETCO અને PGVCLના સંયુક્ત પ્રયાસોથી આધુનિક ટેકનોલોજી આધારિત વીજ વિતરણ વ્યવસ્થા વિકસાવવા પર ભાર મૂક્યો. સાથે સાથે તેમણે નવા ઉપસ્ટેશનના કામો સમયમર્યાદામાં પૂર્ણ થાય તે માટે અધિકારીઓને તાકીદ કરી.

રાજકોટ વિભાગીય કચેરીના M.D. એ બેઠકમાં જિલ્લાના વિવિધ વીજ પ્રોજેક્ટ્સની પ્રગતિ અંગે વિગતવાર માહિતી આપી. તેમણે જણાવ્યું કે છેલ્લા વર્ષોમાં અમરેલી જિલ્લામાં વિજળી પુરવઠામાં નોંધપાત્ર સુધારો નોંધાયો છે અને ભવિષ્યમાં વધુ સશક્ત ઈન્ફ્રાસ્ટ્રક્ચર ઉભું કરવા દિશામાં પગલાં લેવામાં આવી રહ્યા છે.

બેઠકના અંતે મંત્રીએ અધિકારીઓને ગ્રામજનોની સમસ્યાઓને પ્રાથમિકતા આપીને કાર્ય કરવાની અપીલ કરી અને વીજ વિભાગને “જનકલ્યાણ માટે સમર્પિત તંત્ર” તરીકે કાર્યરત રહેવાની પ્રેરણા આપી.

હિન્દુસ્થાન સમાચાર / Gondaliya Abhishek Nandrambhai


 rajesh pande