
અમરેલી, 2 નવેમ્બર (હિ.સ.) : રાજ્યમાં થયેલા માવઠાના વરસાદને કારણે ખેડૂતોને ભારે નુકસાન સહન કરવું પડ્યું છે. આ મુદ્દે કોંગ્રેસે આક્રમક વલણ અપનાવ્યું છે. જિલ્લા અને તાલુકા સ્તરે “ખેતી બચાવો સત્યાગ્રહ” અંતર્ગત 3 થી 8 નવેમ્બર સુધી કાર્યક્રમો યોજાશે, જેમાં ખેડૂતોની સમસ્યાઓને ઉઠાવવામાં આવશે.
અમરેલી ખાતે યોજાયેલી પ્રેસ કોન્ફરન્સમાં કોંગ્રેસના નેતાઓ પ્રતાપ દુધાત અને પરેશ ધાનાણીએ ભાજપ સરકાર પર તીખો પ્રહાર કર્યો હતો. તેમણે જણાવ્યું કે રાજ્યમાં હજારો ખેડૂતોના પાક બરબાદ થયા છે, પરંતુ સરકાર હજી સુધી કોઈ સહાયની જાહેરાત કરી નથી.
નેતાઓએ માંગણી કરી કે માવઠાથી થયેલા નુકસાનને ધ્યાનમાં રાખીને સરકારે તાત્કાલિક સર્વે કરાવી ખેડૂતોને યોગ્ય વળતર આપે અને ખેડૂતોના દેવા માફ કરે. તેમણે કહ્યું કે ખેડૂતોનું ભવિષ્ય બચાવવા કોંગ્રેસ લડત ચાલુ રાખશે.
પ્રતાપ દુધાતે વધુમાં જણાવ્યું કે ભાજપની સરકાર ખેડૂતોના દુઃખ પ્રત્યે સંવેદનહીન બની ગઈ છે, જ્યારે પરેશ ધાનાણીએ કહ્યું કે “અન્નદાતા ને રક્ષાની જરૂર છે, ભાજપ ફક્ત વચનો આપી રહી છે, પરંતુ હકીકતમાં ખેડૂતોને રાહત નથી આપી રહી.”
---------------
હિન્દુસ્થાન સમાચાર / Gondaliya Abhishek Nandrambhai