
અમરેલી, 2 નવેમ્બર (હિ.સ.) : અમરેલી જિલ્લામાં છેલ્લા કેટલાક દિવસોથી વાતાવરણમાં ઠંડીનો ચમકારો વધતા ટાઢુંબોળ માહોલ છવાઈ ગયો છે. આ દરમિયાન હાર્ટ એટેકના કેસોમાં નોંધપાત્ર વધારો જોવા મળી રહ્યો છે. ધારી તાલુકાના જળજીવડી ગામે એક આધેડ વ્યક્તિનું હાર્ટ એટેકથી મોત થવાની દુઃખદ ઘટના સામે આવી છે.
માહિતી મુજબ, રમેશભાઈ ગોરધનભાઈ મકવાણા (ઉંમર 57)ને અચાનક હાર્ટ એટેક આવતા તેઓ બેભાન થઈ પડ્યા હતા. પરિવારજનો દ્વારા તાત્કાલિક સારવાર માટે ધારી હોસ્પિટલ લઈ જવાયા, પરંતુ ત્યાં પહોંચતા પહેલાં જ તેમનું અવસાન થયું હતું. આ બનાવની જાણ થતાં ધારી પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ એમ.એચ. દ્વારા નોંધણી કરવામાં આવી હતી.
મૃતકના પુત્ર સાગરભાઈ રમેશભાઈ મકવાણાએ પોલીસને આપેલા હુલામણામાં જણાવ્યું કે તેમના પિતાને અગાઉ કોઈ ગંભીર તકલીફ ન હતી, પરંતુ અચાનક ઠંડી વધતા તબિયત બગડી ગઈ હતી.
ગામમાં આ દુઃખદ બનાવ બાદ શોકનું માહોલ છવાઈ ગયું છે. તબીબી નિષ્ણાતો લોકોમાં ઠંડીના દિવસોમાં સ્વાસ્થ્ય સંભાળ રાખવાની અને ખાસ કરીને હાર્ટ પેશન્ટ્સને ખાસ તકેદારી રાખવાની સલાહ આપી રહ્યા છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Gondaliya Abhishek Nandrambhai