
અમરેલી, 2 નવેમ્બર (હિ.સ.) : અમરેલી અને ભાવનગર જિલ્લામાં છેલ્લા કેટલાક દિવસોમાં બનેલી દુર્ઘટનાઓમાં અનેક લોકોના મોત નિપજ્યા છે. ભાવનગર જિલ્લાના ઉમરાળા નજીક ચભાડીયા ગામના બે યુવકોનું માર્ગ અકસ્માતમાં મોત થયું હતું. તેમજ વેરાવળ-ભાવનગર રૂટ પર મહુવાના અગતરિયા ગામ પાસે એસ.ટી. બસ અને રિક્ષા વચ્ચે અથડામણ થતા રિક્ષાચાલકનું ઘટનાસ્થળે જ મોત થયું હતું.
તે જ રીતે અમરેલી જિલ્લાના રાજુલા તાલુકાના બરબટાણા ગામના ચાર યુવાનોનું પાણીમાં ડૂબી જવાથી કરુણ અવસાન થયું હતું. આ તમામ દુર્ઘટનાઓએ સમગ્ર વિસ્તારમાં શોકની લાગણી ફેલાવી દીધી છે.
પૂજ્ય મોરારિબાપુએ આ દુઃખદ ઘટનાઓમાં મૃત્યુ પામેલ તમામ આત્માઓને ભાવભીની શ્રદ્ધાંજલિ અર્પી છે અને તેમના પરિવારજનો પ્રત્યે સહાનુભૂતિ વ્યક્ત કરી છે. સાથે જ બાપુએ માનવીય સંવેદના વ્યક્ત કરતાં દરેક મૃતકના પરિવારમાં રૂપિયા 15 હજાર પ્રમાણે કુલ રૂપિયા 1,05,000 ની સહાય રકમ આપવાની જાહેરાત કરી છે.
મોરારિબાપુએ પ્રાર્થના કરી કે પરમાત્મા મૃત આત્માઓને શાંતિ આપે અને પરિવારજનોને આ કઠિન સમયે શક્તિ આપે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Gondaliya Abhishek Nandrambhai