કોડીનાર, ઉના, સુત્રાપાડા અને વેરાવળ સહિતના તાલુકાઓમાં પંચરોજનું કામ ઝડપી ગતિએ આગળ વધી રહ્યું છે
ગીર સોમનાથ, 2 નવેમ્બર (હિ.સ.) : ગીર સોમનાથ જિલ્લામાં ખેડૂતો માટે સરકાર દ્વારા સહાય પ્રક્રિયાનો પ્રથમ તબક્કો શરૂ કરવામાં આવ્યો છે. સરકારના આદેશ બાદ જિલ્લામાં વિવિધ ગ્રામપંચાયતોમાં પંચરોજનું કામ પૂરજોશમાં શરૂ થયું છે. ગીર સોમનાથ જિલ્લાના કોડીનાર, ઉના
પંચરોજનું કામ ઝડપી ગતિએ આગળ વધી રહ્યું છે.


ગીર સોમનાથ, 2 નવેમ્બર (હિ.સ.) : ગીર સોમનાથ જિલ્લામાં ખેડૂતો માટે સરકાર દ્વારા સહાય પ્રક્રિયાનો પ્રથમ તબક્કો શરૂ કરવામાં આવ્યો છે. સરકારના આદેશ બાદ જિલ્લામાં વિવિધ ગ્રામપંચાયતોમાં પંચરોજનું કામ પૂરજોશમાં શરૂ થયું છે. ગીર સોમનાથ જિલ્લાના કોડીનાર, ઉના, સુત્રાપાડા અને વેરાવળ સહિતના તાલુકાઓમાં ગ્રામ સેવકો, સરપંચો અને તલાટીઓની હાજરીમાં પંચરોજનું કામ ઝડપી ગતિએ આગળ વધી રહ્યું છે.

દરેક ગામમાં થયેલા પાકના નુકસાનનું સ્થળ પર જઈને મૂલ્યાંકન કરવામાં આવી રહ્યું છે. ખાસ કરીને જ્યાં ખેડૂતોને 100 ટકા પાકનું નુકસાન થયું છે, તે વિસ્તારોને પ્રાથમિકતા આપવામાં આવી રહી છે.

ખેડૂતોને સહાય પ્રક્રિયામાં કોઈ અગવડતા ન પડે, તે માટે કોડીનાર ભારતીય જનતા પાર્ટીના હોદ્દેદારો તેમજ તેમના કાર્યો દ્વારા પણ ખેડૂતોને મદદ કરવામાં આવી રહી છે જે ખેડૂતોને ફોર્મ ભરવામાં મુશ્કેલી પડી રહી છે તેના ફોર્મ કાર્યકરો દ્વારા ભરી દેવામાં આવી રહ્યા છે. જેથી કરીને પંચ રોજ કામગીરી ઝડપથી થઈ શકે અત્યાર સુધીમાં 500થી 600 જેટલા ફોર્મ ભરી દેવામાં આવ્યા છે તેમજ ખેડૂતોને જરૂરી માર્ગદર્શન આપવામાં આવી રહ્યું છે, જેથી કોઈ ભોગ બનનાર ખેડૂત સહાયથી વંચિત ન રહી જાય. આ કારણે હવે મોટી સંખ્યામાં ખેડૂતો કોડીનાર ભાજપ કાર્યાલય ખાતે પોતાનું રજીસ્ટ્રેશન કરવા માટે પહોંચી રહ્યા છે. બે દિવસની અંદર પંચરોજનું કામ પૂર્ણ કરી તેની માહિતી સરકારને મોકલવામાં આવશે.

આ અહેવાલોના આધારે રાજ્ય સરકાર આગામી દિવસોમાં સહાયની રકમ જાહેર કરશે. સરકારના આ નિર્ણયથી ખેડૂતોમાં આશાનો કિરણ જોવા મળી રહ્યો છે. છેલ્લા કેટલાક અઠવાડિયાથી કમોસમી વરસાદ અને પાક બગાડના કારણે હિંમત હારેલા ખેડૂતો હવે રાહ જોઈ રહ્યા છે કે સહાય ઝડપથી તેમના હાથ સુધી પહોંચે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande