
અમરેલી,2 નવેમ્બર (હિ.સ.) અમરેલી શહેર પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા અપહરણ, છેડતી તથા પોક્સો કાયદા હેઠળના ગંભીર ગુનામાં કોર્ટ દ્વારા આરોપી સાગર વિનુભાઈ સોરઠીયાને દોષિત ઠરાવવામાં આવ્યો છે. કોર્ટએ આરોપીને ત્રણ વર્ષની સખત કેદ તથા રૂ. 20,000ના દંડની સજા ફરમાવી છે.
માહિતી મુજબ, આરોપી સાગર સોરઠીયાએ નાબાલિક યુવતી સાથે અપહરણ અને છેડતી જેવી હરકતો કરી હતી, જેના આધારે અમરેલી સીટી પોલીસ સ્ટેશને કેસ નોંધ્યો હતો. તપાસ દરમિયાન પૂરતા પુરાવા અને સાક્ષીઓના આધારે આરોપી સામે ચાર્જશીટ દાખલ કરવામાં આવી હતી.
મામલાની સુનાવણી દરમિયાન પોલીસ ઇન્સ્પેક્ટર ડી.કે. વાઘેલા અને સરકારી વકીલ એમ.આર. ત્રિવેદીએ મજબૂત દલીલો રજૂ કરી, જેના આધારે કોર્ટએ આરોપીને દોષિત ઠરાવ્યો. કોર્ટએ સ્પષ્ટ કર્યું કે આવા ગુનાઓ સમાજ માટે ગંભીર ખતરો છે અને નાબાલિકાઓની સુરક્ષા માટે કડક સજા જરૂરી છે.
આ ચુકાદા બાદ પોલીસ તંત્ર અને કાનૂની તંત્ર બંનેએ જણાવ્યું કે આ નિર્ણયથી મહિલાઓ તથા નાબાલિકો સામેના ગુનાઓ માટે કાયદાનો ડર મજબૂત બનશે.
હિન્દુસ્થાન સમાચાર / Gondaliya Abhishek Nandrambhai