
અમરેલી, 2 નવેમ્બર (હિ.સ.) : આજ રોજ અમરેલી શહેરમાં શ્રી BAPS સ્વામિનારાયણ મંદિર તથા અમરેલી નગરપાલિકા દ્વારા સંયુક્ત ઉપક્રમે સરદાર વલ્લભભાઈ પટેલની જયંતિ નિમિત્તે “સરદાર સર્કલ”નું લોકાર્પણ કરવામાં આવ્યું. શહેરના મુખ્ય માર્ગ પર આવેલ આ સર્કલનું નિર્માણ શહેરના સૌંદર્ય અને રાષ્ટ્રીય એકતાના પ્રતિક રૂપે કરવામાં આવ્યું છે.
લોકાર્પણ પ્રસંગે સ્થાનિક સંતો, નગરપાલિકા અધ્યક્ષ, અધિકારીઓ, શહેરના આગેવાનો તથા મોટી સંખ્યામાં નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમ દરમિયાન સરદાર સાહેબના જીવન, તેમના રાષ્ટ્રપ્રેમ અને અખંડ ભારતના નિર્માણમાં આપેલ યોગદાનને યાદ કરવામાં આવ્યું.
BAPS સ્વામિનારાયણ સંસ્થાના સંતોએ જણાવ્યું કે સરદાર પટેલ જેવા મહાન નેતાઓના આદર્શો આજે પણ સમાજને પ્રેરણા આપે છે. શહેરમાં તેમની સ્મૃતિમાં આ સર્કલનું નિર્માણ કરવું એ અમરેલીવાસીઓ માટે ગૌરવની વાત છે.
નગરપાલિકાના પ્રતિનિધિઓએ જણાવ્યું કે આવનારા સમયમાં શહેરના અન્ય વિસ્તારોમાં પણ આ પ્રકારના સ્મારક અને સૌંદર્યવર્ધનના પ્રોજેક્ટ હાથ ધરાશે. કાર્યક્રમ અંતે સૌએ સરદાર સાહેબના પુણ્ય સ્મરણમાં રાષ્ટ્રીય એકતા અને સેવા ભાવનાની પ્રતિજ્ઞા લીધી.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Gondaliya Abhishek Nandrambhai