વડીયા તાલુકાના તાલાળી ગામે ચોરીની ઘટના, મજૂરી માટે ગયેલા યુવકના ઘરે ચોરો ત્રાટક્યા, રૂપિયા 1.33 લાખની ચોરી
અમરેલી, 2 નવેમ્બર (હિ.સ.) : અમરેલી જિલ્લાના વડીયા તાલુકાના તાલાળી ગામે ચોરીની એક ગંભીર ઘટના સામે આવી છે. ગામના રહેવાસી રસિકભાઈ સમજુભાઈ તરવાડીયા (ઉંમર 42) સાસરીમાં મજૂરી કામે ગયા હતા, તે દરમિયાન તેમના ઘરે અજાણ્યા ચોરોએ ત્રાટકીને રોકડા રૂપિયા અને સોન
વડીયા તાલુકાના તાલાળી ગામે ચોરીની ઘટના — મજૂરી માટે ગયેલા યુવકના ઘરે ચોરો ત્રાટક્યા, રૂપિયા 1.33 લાખની ચોરી


અમરેલી, 2 નવેમ્બર (હિ.સ.) : અમરેલી જિલ્લાના વડીયા તાલુકાના તાલાળી ગામે ચોરીની એક ગંભીર ઘટના સામે આવી છે. ગામના રહેવાસી રસિકભાઈ સમજુભાઈ તરવાડીયા (ઉંમર 42) સાસરીમાં મજૂરી કામે ગયા હતા, તે દરમિયાન તેમના ઘરે અજાણ્યા ચોરોએ ત્રાટકીને રોકડા રૂપિયા અને સોના-ચાંદીના દાગીના ઉઠાવી લીધી હતી. બનાવ પછી સમગ્ર ગામમાં ચકચાર મચી ગઈ છે.

પોલીસમાં જાહેર થયેલી વિગતો મુજબ, રસિકભાઈ પોતાના સસરાના ઘરે કામકાજ માટે ગયા હતા. આ દરમિયાન રાત્રિના સમયે ચોર ઈસમોએ તેમના બંધ મકાનની દીવાલ કૂદીને અંદર પ્રવેશ કર્યો હતો. ચોરોએ રૂમનું તાળું તોડી લોખંડના કબાટને નિશાન બનાવ્યું હતું. કબાટમાંથી ચોરોએ સોનાનું ડોકિયું, સોનાની બુટી, સોનાની સેર તેમજ રૂપિયા 30 હજાર રોકડા મળી કુલ રૂ. 1,26,500ની ચોરી કરી હતી.

તદુપરાંત, નજીકના સાહેદના મકાનમાંથી પણ નાકમાં પહેરવાના સોનાના દાણા અને ચાંદીનો જૂડો સહિત રૂ. 7,000ની માલમત્તાની ચોરી થઈ હતી. બંને મકાનોમાંથી મળીને કુલ રૂ. 1,33,500ના સોના-ચાંદીના દાગીના અને રોકડ રકમની ચોરી કરવામાં આવી હોવાનું નોંધાયું છે.

વડીયા પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ પીઆઈ એ.એન. ગાંગણાએ ટીમ સાથે ઘટનાસ્થળની મુલાકાત લઈને પુરાવા એકત્રિત કર્યા છે. આસપાસના સીસીટીવી ફૂટેજ ચકાસી ચોર ટોળકીની ઓળખ કરવા પ્રયાસો શરૂ કરાયા છે. પોલીસે ગુનાનો પ્રાથમિક દફતરી ગુનો દાખલ કરીને તપાસ હાથ ધરી છે.

ગામના રહેવાસીઓએ પણ રાત્રિ દરમિયાન પેટ્રોલિંગ વધારવાની અને ચોરી રોકવા માટે સુરક્ષા વ્યવસ્થા મજબૂત કરવાની માંગ ઉઠાવી છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Gondaliya Abhishek Nandrambhai


 rajesh pande