અમારે 200 કરોડ રૂપિયાની માછલીઓનું નુકસાન થયું: જાફરાબાદના માછીમારોની વ્યથા
અમરેલી, 1 નવેમ્બર (હિ.સ.) : ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોમાં માછીમારી કરનારા માછીમારો માટે હાલની પરિસ્થિતિ અત્યંત વિકટ બની ગઈ છે. ખાસ કરીને અમરેલી જિલ્લાના જાફરાબાદ બંદરના માછીમારો ભારે નુકસાનનો સામનો કરી રહ્યા છે. સતત ભેજવાળું વાતાવરણ અને માવઠાને
અમારે 200 કરોડ રૂપિયાની માછલીઓનું નુકસાન થયું” — જાફરાબાદના માછીમારોની વ્યથા,


અમરેલી, 1 નવેમ્બર (હિ.સ.) : ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોમાં માછીમારી કરનારા માછીમારો માટે હાલની પરિસ્થિતિ અત્યંત વિકટ બની ગઈ છે. ખાસ કરીને અમરેલી જિલ્લાના જાફરાબાદ બંદરના માછીમારો ભારે નુકસાનનો સામનો કરી રહ્યા છે. સતત ભેજવાળું વાતાવરણ અને માવઠાને કારણે “બૂમલા” (Bombay Duck) માછલી સડી જવાથી માછીમારોને કરોડોનું નુકસાન થયું છે. હાલ પરિસ્થિતિ એટલી ગંભીર છે કે માછીમારોને પોતાની જ પકડેલી માછલીઓ દરિયામાં ફેંકવાની ફરજ પડી રહી છે.

જાફરાબાદ ખારવા સમાજ માછીમાર બોટ એસોસિયેશનના પ્રમુખ કનૈયાલાલ સોલંકીએ જણાવ્યું કે, “જાફરાબાદના બંદર પર આશરે 700 જેટલી ફિશિંગ બોટ કાર્યરત છે, અને દરેક બોટ સીધી કે આડકતરી રીતે 100 જેટલા લોકોને રોજગારી આપે છે. આ બંદર સમગ્ર ભારતમાં બૂમલા માછલીનું સૌથી મોટું હબ ગણાય છે.”

બૂમલા માછલી જાફરાબાદની આર્થિક રીડ ગણાય છે. માછીમારો ખંભાતના અખાતથી લઈ મહારાષ્ટ્રના દહાણુ સુધીના દરિયામાં માછીમારી કરે છે અને મોટાભાગે બૂમલા જ પકડાય છે. “જો 100 કિલો માછલી મળે તો એમાં 80 કિલો બૂમલા જ હોય છે,” સોલંકી કહે છે. “પરંતુ બૂમલા માછલી ભેજવાળું વાતાવરણ સહન કરી શકતી નથી. તડકો ન આવતાં માછલીઓ બંદર પર જ સડી જાય છે. આ કારણે અમારે તેને દરિયામાં પાછી ફેંકવાની ફરજ પડે છે.”

તેમણે ઉમેર્યું કે માત્ર હાલના માવઠાથી જ આશરે 50 કરોડ રૂપિયાની માછલી બગડી ગઈ છે, જ્યારે આ સિઝનની શરૂઆતથી અત્યાર સુધીમાં કુલ 200 કરોડ રૂપિયાની બૂમલા માછલીનું નુકસાન થયું છે. “માછીમારો પાસે સંગ્રહ અથવા સુકવણી માટે જરૂરી સુવિધાઓ નથી, જેના કારણે આ માછલીઓ બચાવવી અશક્ય બની જાય છે,” તેઓ કહે છે.

સ્થાનિક જનપ્રતિનિધિઓએ પણ આ ગંભીર પરિસ્થિતિ અંગે રાજ્ય સરકારને રજૂઆત કરી છે. તેમની માંગ છે કે જેમ ખેડૂતોને માવઠાથી થયેલા પાકના નુકસાન માટે વળતર આપવામાં આવે છે, તેમ માછીમારોને પણ સહાય આપવી જોઈએ.

કનૈયાલાલ સોલંકી કહે છે, “માછીમારોની રોજીરોટી બૂમલા પર આધારિત છે. જો આ રીતે નુકસાન ચાલુ રહેશે તો હજારો પરિવારો પર આજીવિકાનો સંકટ ઊભો થશે. સરકાર તાત્કાલિક પગલાં લે — નહીંતર આ દરિયાઈ ખેડુતોના જીવનમાં અંધકાર છવાઈ જશે.”

---------------

હિન્દુસ્થાન સમાચાર / Gondaliya Abhishek Nandrambhai


 rajesh pande