
પાટણ, 7 ડિસેમ્બર (હિ.સ.) : જામનગરમાં AAPની જાહેરસભા દરમિયાન કોંગ્રેસના એક કાર્યકર દ્વારા વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા પર જૂતું ફેંકાયાની ઘટના સામે AAP દ્વારા પાટણના બગવાડા દરવાજા ખાતે ઉગ્ર વિરોધ નોંધાયો હતો. આ ઘટનાએ સ્થાનિક રાજકીય માહોલમાં તણાવ વધાર્યો હતો.
આપ એ આક્ષેપ કર્યો કે કોંગ્રેસ ભાજપના ઈશારે કાર્ય કરી રહી છે અને લોકશાહી પ્રણાલીમાં આવી હિંસક હરકતોને કોઈ સ્થાન નથી. પ્રદર્શન દરમિયાન પાર્ટીના હોદ્દેદારો અને કાર્યકરોએ કોંગ્રેસ વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતા અને ગાંધીવાદી વિચારધારાથી કોંગ્રેસ દૂર થઈ રહી છે તેવો આરોપ મૂક્યો હતો.
આ વિરોધમાં સ્વયંભાઈ સાલવી, મનુભાઈ ઠક્કર, લક્ષ્મણભાઈ રબારી, વિનુભાઈ સોલંકી, દિલીપજી રાજપૂત, નિર્મલભાઈ સોલંકી, જે.ડી. પરમાર તેમજ અન્ય અનેક કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. આપ દ્વારા શાંતિ અને અહિંસાના માર્ગે રાજકારણ કરવાની અપીલ કરવામાં આવી હતી.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ