રાષ્ટ્રીય તમાકુ નિયંત્રણ કાર્યક્રમ અંતર્ગત વેરાવળના વિવિધ સ્થળો પર સઘન તપાસ, જિલ્લાની ટીમ દ્વારા દુકાનદારો પાસેથી રૂ.6200નો દંડ વસૂલ કરાયો
ગીર સોમનાથ, 7 ડિસેમ્બર (હિ.સ.) : ગીર સોમનાથ કલેકટર એન.વી.ઉપાધ્યાય તથા જિલ્લા વિકાસ અધિકારી સ્નેહલ ભાપકરના માર્ગદર્શન હેઠળ “રાષ્ટ્રીય તમાકુ નિયંત્રણ કાર્યક્રમ” અંતર્ગત વેરાવળના વિવિધ સ્થળો પર રેડ પાડવામાં આવી હતી. જિલ્લાની ટીમ દ્વારા કુલ ૨૬ કેસ કર
રાષ્ટ્રીય તમાકુ નિયંત્રણ કાર્યક્રમ


ગીર સોમનાથ, 7 ડિસેમ્બર (હિ.સ.) : ગીર સોમનાથ કલેકટર એન.વી.ઉપાધ્યાય તથા જિલ્લા વિકાસ અધિકારી સ્નેહલ ભાપકરના માર્ગદર્શન હેઠળ “રાષ્ટ્રીય તમાકુ નિયંત્રણ કાર્યક્રમ” અંતર્ગત વેરાવળના વિવિધ સ્થળો પર રેડ પાડવામાં આવી હતી. જિલ્લાની ટીમ દ્વારા કુલ ૨૬ કેસ કરીને કુલ ૬૨૦૦/- રૂપિયાનો દંડ વસૂલ કરવામાં આવ્યો હતો.

જિલ્લામાં “રાષ્ટ્રીય તમાકુ નિયંત્રણ કાર્યક્રમ” અંતર્ગત તમાકુની ગેરકાયદેસર બનાવટો તેમજ ઈ-સિગારેટનું વેચાણ અટકે અને શૈક્ષણિક સંસ્થાની ૧૦૦ વારની ત્રિજ્યામાં તમાકુની બનાવટોનં વેચાણ અટકે તે હેતુથી તમાકુ નિયંત્રણ અધિનિયમ- ૨૦૦૩ હેઠળ વેરાવળ ખાતે રેડ ડ્રાઈવ કરવામાં આવી હતી.

આ રેડ દરમિયાન વેરાવળ શહેરી વિસ્તારોમાં તમાકુ અને તમાકુની બનાવટ વેચનાર વેપારીઓની દુકાનો ઉપર ચેકિંગની કામગીરી હાથ ધરવામાં આવી હતી. જેમાં COTPA-2003 એક્ટ ની કલમ ૬(અ) અન્વયે ૧૮ વર્ષથી નીચેની વ્યક્તિને તમાકુ કે તમાકુની બનાવટ વેચવી તે ગુનો બને છે, અને તમાકુ કે તમાકુની બનાવટ વેચનાર દુકાનદારે બોર્ડ પણ લગાવવાનું ફરજીયાત હોય છે, પણ જિલ્લામાં આવી ઘણી બધી દુકાન ઉપર દુકાનદારો દ્વારા આવા બોર્ડ લગાવવામાં આવેલા ન હતા, તેથી આ ટીમ દ્વારા જિલ્લાની જુદી જુદી જગ્યાએ સઘન તપાસ કરી દુકાનદાર દ્વારા આવું બોર્ડ ન લગાવી નિયમનું ઉલ્લઘંન કરવા બદલ દંડ ફટકારાયો હતો.

આ ઉપરાંત કલમ ૬(બ) મુજબ શૈક્ષણિક સંસ્થા ની ૧૦૦ વારની ત્રિજ્યામાં તમાકુ કે તમાકુની બનાવટ વેચવી ગુનો બને છે છતાં પણ અમુક દુકાનો શૈક્ષણિક સંસ્થાની ૧૦૦ વારની ત્રિજ્યામાં તમાકુની કે તમાકુની બનાવટ વેચતા હોવાથી આવા દુકાનદારો પાસેથી પણ દંડ વસુલ કરવામાં આવ્યો હતો.વધુમાં ઈ-સિગારેટ તેમજ છૂટક સિગારેટોના વહેચાણ ન કરવા અંગે તાકીદ કરવામાં આવી હતી.

---------------

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande