

- કરમસદથી પ્રારંભ થયેલી 'સરદાર@150' રાષ્ટ્રીય એકતા પદયાત્રાની 11 દિવસના પરિભ્રમણ બાદ એકતાનગરમાં પૂર્ણાહુતિ.
ગાંધીનગર, 7 ડિસેમ્બર (હિ.સ.) : લોખંડી પુરૂષ, દેશના પ્રથમ ગૃહમંત્રી, ભારતરત્ન સરદાર વલ્લભભાઈ પટેલનેની 150મી જન્મ જયંતી નિમિત્તે તેમને સ્મરણાંજલિ આપવા માટે કરમસદથી નીકળેલી 'સરદાર@150' રાષ્ટ્રીય એકતા પદયાત્રા 11 દિવસના પરિભ્રમણ બાદ શનિવારે એકતાનગર સ્થિત સરદાર પટેલની વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા 'સ્ટેચ્યુ ઓફ યુનિટી' પરિસરમાં પૂર્ણ થઈ હતી. એકતા પદયાત્રાના સમાપન સમારોહમાં ઉપસ્થિત ઉપરાષ્ટ્રપતિ સી. પી. રાધાકૃષ્ણને આ પદયાત્રાને ભારતના અમર આત્માના ઉત્સવ તરીકે ગણાવી હતી. એકતા પદયાત્રા દેશના જન અને મનને જોડવાનું માધ્યમ બની છે, જેમાં એકતા, કર્તવ્ય અને રાષ્ટ્ર નિર્માણની ભાવનાનો સમન્વય જોવા મળ્યો હોવાનું ગર્વભેર જણાવ્યું હતું. .
ઉપરાષ્ટ્રપતિએ વધુમાં કહ્યું કે, સરદાર પટેલ આપણા શ્રેષ્ઠ રાષ્ટ્રીય નાયક હતા, જેમણે કુશળ નેતૃત્વ પૂરૂ પાડીને 560થી વધુ રજવાડાઓને એકીકૃત કર્યા. એક અને અખંડ ભારતના નિર્માણમાં સરદાર સાહેબનું યોગદાન પેઢીઓ સુધી અમર રહેશે.
દેશભરમાં 1300 થી વધુ પદયાત્રાઓમાં 14 લાખથી વધુ યુવાનોની ભાગીદારી એ સિદ્ધ કરે છે કે સરદાર પટેલ દ્વારા પ્રજ્વલિત એકતાની જ્યોત આજે પણ પ્રજ્વલિત છે એમ ગૌરવ સાથે જણાવતા તેમણે એમ પણ કહ્યું કે, સરદાર સાહેબ સાથે જોડાયેલી આ પદયાત્રાએ સમગ્ર દેશમાં એકતા, ભાઈચારા તથા એક ભારત, શ્રેષ્ઠ ભારત, આત્મનિર્ભર ભારતનો સંદેશ પ્રસરાવ્યો છે.
સરદાર સાહેબે પોતાના સાદગીભર્યા વ્યક્તિત્વથી વિશ્વને સંદેશ આપ્યો હતો કે “એગ્રીકલ્ચર ઈઝ અવર કલ્ચર.. અમારી સંસ્કૃતિનું મૂળ કૃષિ છે, અને એ જ અમારી ઓળખ છે. એમ જણાવી
તેમણે ઉમેર્યું કે સરદાર પટેલે સમગ્ર રાષ્ટ્રને એકતાના સૂત્રમાં પરોવીને ભારતને એક, અખંડ અને મજબૂત બનાવ્યું.
વિશ્વને અહિંસા અને સત્યનો માર્ગ બતાવનાર મહાત્મા ગાંધીજી, દેશને એકતાના તાંતણે બાંધનાર સરદાર વલ્લભભાઈ પટેલ અને વિકાસને રાષ્ટ્રીય આંદોલન બનાવનાર વડાપ્રધાન નરેન્દ્ર મોદીની જન્મભૂમિ ગુજરાત છે એમ ગૌરવપૂર્વક જણાવી તેમણે ઉલ્લેખ કર્યો કે, દેશના કોઈ પણ ખૂણે ‘કેમ છો?’નો ઉચ્ચાર થાય છે, ત્યારે પ્રત્યુત્તરમાં ‘મજામાં!’ સાંભળવા મળે છે, આ ભાવના ગુજરાતની પ્રગતિશીલ વિચારસરણી અને વડાપ્રધાનના લોકપ્રિય નેતૃત્વનું પ્રતિબિંબ છે.
છેલ્લા 10 વર્ષોમાં ભારતે આર્થિક, સામાજિક, સૈન્ય અને વિદેશ નીતિ, રણનીતિ જેવા અનેક ક્ષેત્રોમાં અભૂતપૂર્વ પ્રગતિ કરી છે એમ જણાવી રાધાકૃષ્ણને કહ્યું કે નારી શક્તિ વંદન કાયદાએ સ્ત્રી સશક્તિકરણ થી આગળ વધીને વુમન લેડ ડેવલપમેન્ટ (મહિલા નેતૃત્વયુક્તવિકાસ)નો યુગ શરૂ કર્યો છે. કેન્દ્ર સરકારે તાજેતરમાં ચાર નવી શ્રમ સંહિતાઓ (લેબર કોડ્સ) લાગુ કરી છે, જે ન્યાયપૂર્ણ, સર્વ સમાવેશી અને પ્રગતિશીલ ભારત નિર્માણના સંકલ્પને મજબૂત આધાર આપે છે. આ શ્રમ સંહિતા દેશના શ્રમિક વર્ગ માટે સમાનતા અને સન્માનનો પથ પ્રશસ્ત કરશે.
સરદાર પટેલજીનું મજબૂત, સક્ષમ અને આત્મનિર્ભર ભારત નું સ્વપ્ન છેલ્લા એક દાયકામાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ના ગતિશીલ નેતૃત્વ હેઠળ ઝડપથી સાકાર થઈ રહ્યું છે. સરદાર સાહેબના આદર્શ વિચારોનો વારસો આજે આત્મનિર્ભર ભારત અને વિકસિત ભારત@2047 ના સંકલ્પમાં દેખાય છે એમ શ્રી રાધાકૃષ્ણને કહ્યું હતું.
ઉપરાષ્ટ્રપતિએ યુવાનોને ડ્રગ્સના અજગર ભરડામાં ક્યારેય ન ફસાવાની શીખ આપી કહ્યું કે, યુવાશક્તિ દેશનું ભવિષ્ય છે. દેશની 65 ટકા વસ્તી યુવા છે અને 'યુથ પાવર' દેશની ઉર્જા, પ્રતિભા અને આકાંક્ષાઓનો અદ્વિતીય સ્રોત છે, ત્યારે રમતગમત, સામાજિક જવાબદારી અને સંસ્કારપૂર્ણ વર્તન વ્યવહારથી યુવાનોએ બદલાતા સમયમાં પોતાની ક્ષમતાઓને વિકાસની દિશામાં વાળવા આહ્વાન કર્યું હતું.
કેન્દ્રીય રમતગમત અને યુવા પ્રવૃત્તિઓ મંત્રી ડો. મનસુખભાઈ માંડવીયાએ કહ્યું કે, આ પદયાત્રા સરદાર સાહેબના પૈતૃક ગામ કરમસદથી સ્ટેચ્યુ ઓફ યુનિટી (એકતા નગર) સુધીની 150 કિલોમીટરની અંતિમ તબક્કાની પદયાત્રામાં પોતે ચાર દિવસ સુધી ભાગ લીધો હતો. તેમણે 150 કાયમી પદયાત્રીઓની સાથે દેશભરમાંથી અસંખ્ય યુવાનો અને મહિલાઓ તેમજ ગુજરાતના ખૂણે ખૂણેથી હજારો યુવાનો પોતાની ક્ષમતા મુજબ એક, બે કે ત્રણ દિવસ માટે યાત્રામાં જોડાયા હતા, જેના કારણે આ પદયાત્રા ખરા અર્થમાં 'વિચારની યાત્રા' બની ગઈ છે.
મનસુખભાઈએ યાત્રા દરમિયાન જનતાના ઉત્સાહપૂર્ણ પ્રતિભાવનું વર્ણન કરતા કહ્યું કે, જ્યાં પણ પદયાત્રા પસાર થઈ, ત્યાં જનતાએ તેનું ઉમળકાભેર સ્વાગત કર્યું છે. મોટી સંખ્યામાં સ્વયંભૂ આ યાત્રામાં જોડાયા છે. ખેડૂતોએ પણ આ યાત્રામાં અનોખું યોગદાન આપ્યું છે. જેમણે પોતાના ખેતરોમાં પાકેલા કેળા અને જામફળ રસ્તામાં પદયાત્રીઓને ખવડાવીને તેમનું સ્વાગત કર્યું હતું. આ પદયાત્રા દરમિયાન, ખેડૂતોએ રસ્તામાં કુદરતી ખેતીનું પ્રદર્શન કરીને 'આત્મનિર્ભર ભારત'નો સંદેશ ફેલાવ્યો હતો. આ પદયાત્રા રાષ્ટ્રને એકતા યાત્રા તરીકેનો સંદેશ આપી રહી છે. એક ભારત, શ્રેષ્ઠ ભારતના વડાપ્રધાનશ્રીના સ્વપ્નને સાકાર કરી રહી છે.
આ વેળાએ ઉપસ્થિત સૌએ સ્વદેશી અપનાવી 'આત્મનિર્ભર ભારત'ના નિર્માણના શપથ ગ્રહણ કર્યા હતા.
નોંધનીય છે કે, સરદાર@150 રાષ્ટ્રીય એકતા પદયાત્રા તા.26 નવે.ના રોજ સરદાર સાહેબના જન્મ સ્થાન કરમસદથી આરંભાઇ હતી. 11 દિવસ ચાલેલી આ યાત્રા આણંદ ઉપરાંત વડોદરા, નર્મદા જિલ્લાના ગ્રામ્ય તથા શહેરી વિસ્તારોમાં પરિભ્રમણ કરી તા.6 ડિસે. ના રોજ નર્મદા જિલ્લાના એકતાનગર સ્થિત સ્ટેચ્યુ ઓફ યુનિટી પહોંચી હતી. રાષ્ટ્રીય યુનિટી માર્ચમાં જોડાયેલા ઉર્જાત્મક યુવા પેઢી, મહાનુભાવો-જનપ્રતિનિધિઓ, સામાજિક સંસ્થા, સ્વયંસેવકો, સ્થાનિક નાગરિકોએ આત્મનિર્ભર અને વિકસિત ભારતના નિર્માણમાં યોગદાન આપવા જનજન સુધી એકતાનો સંદેશો આપ્યો હતો.
આ પ્રસંગે કેન્દ્રીય મંત્રી રાજીવ રંજન સિંહ, કેન્દ્રીય રાજ્યમંત્રી રક્ષા ખડસે, કેન્દ્રીય રાજ્યમંત્રી તોખન સાહુ, સ્વરાજ આશ્રમ- બારડોલીના ટ્રસ્ટી નિરંજનાબેન કલાર્થી, સાંસદ સર્વ મનસુખભાઈ વસાવા અને જશુભાઈ રાઠવા, જિ.પંચાયત પ્રમુખ ભીમસિંગભાઈ તડવી, ધારાસભ્ય ડો. દર્શનાબેન દેશમુખ સહિત જિલ્લા વહીવટીતંત્રના અધિકારીઓ, પદયાત્રીઓ, મોટી સંખ્યામાં સરદારપ્રેમી નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા.
---------------
હિન્દુસ્થાન સમાચાર / અભિષેક બારડ