
પાટણ, 7 ડિસેમ્બર (હિ.સ.) : ચાણસ્મા ખાતે આવેલા યોગાશ્રમમાં દિવંગત સંતવર્ય પ.પૂ. સ્વામી સચિદાનંદ મહારાજની 12મી પૂર્ણ તિથિ ભાવપૂર્વક ઉજવાઈ હતી. આ પ્રસંગે સત્સંગ, હોમાત્મક યજ્ઞ તથા અન્ય ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું.
સ્વામી સચિદાનંદ મહારાજે ચાણસ્મા યોગાશ્રમમાં સત્સંગ, ભજન અને સેવાકીય પ્રવૃત્તિઓ દ્વારા વિશાળ શિષ્ય સમુદાયમાં વિશેષ સ્થાન મેળવ્યું હતું. તેમના પ્રભાવને યાદ રાખવા દર વર્ષે તેમના અનુયાયીઓ દ્વારા પૂર્ણ તિથિ નિષ્ઠાપૂર્વક ઉજવવામાં આવે છે. આ વર્ષે યોજાયેલ કાર્યક્રમમાં પ.પૂ. રામગીરી બાપુ અને પ.પૂ. વિમળાનંદજી મહારાજે સ્વામીજીના બોધ અને કાર્યોને યાદ કરતાં જ્ઞાનવાણીનું વક્તવ્ય આપ્યું હતું.
આ ઉજવણીમાં સચ્ચિદાનંદ આશ્રમના પ્રમુખ ચંદુભાઈ પટેલ, સંતો, ગાયત્રી પરિવારના સભ્યો, સામાજિક-રાજકીય આગેવાનો તથા સૌરાષ્ટ્ર સહિતના વિસ્તારોમાંથી આવેલા સ્વામીજીના શિષ્યો ઉપરાંત મોટી સંખ્યામાં સત્સંગી ભાઈ-બહેનો ઉપસ્થિત રહ્યા હતા.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ