


ગોધરા, 7 ડિસેમ્બર (હિ. સ.) : પંચમહાલના હાલોલમાં પ્રાકૃતિક કૃષિ તાલીમ યોજાઈ. ઘોઘંબા, જાંબુઘોડા અને હાલોલ તાલુકાના કુલ ૪૫૦ જેટલા ખેડૂતોને પ્રાકૃતિક કૃષિના વિવિધ આયામોથી માહિતગાર કરાયા.
રાજ્યપાલ આચાર્ય દેવવ્રતના આહવાન હેઠળ ગુજરાતમાં પ્રાકૃતિક કૃષિનો પ્રચાર-પ્રસાર અભિયાન ચાલી રહ્યો છે, જેના ભાગરૂપે પંચમહાલ જિલ્લાના ખેડૂતોને રવિ પાક માટે પ્રાકૃતિક કૃષિ વાવેતર કરવા પ્રેરવા માટે એક વિશેષ તાલીમનું આયોજન કરવામાં આવ્યું હતું. ગુજરાત નેચરલ ફાર્મિંગ સાયન્સ યુનિવર્સિટી (GNFSU), હાલોલ ખાતે આત્મા પ્રોજેક્ટ/ગુજરાત પ્રાકૃતિક કૃષિ વિકાસ બોર્ડ (GPKVK) અને GNFSUના સહયોગથી આ તાલીમ યોજાઈ હતી.
પ્રોજેક્ટ ડાયરેક્ટર ભાવિનભાઈ મહેતાના માર્ગદર્શન હેઠળ અને GNFSUના વિસ્તરણ શિક્ષક નિયામક રશ્મિકાંત ગુર્જરના દિશા નિર્દેશ હેઠળ, ઘોઘંબા, જાંબુઘોડા અને હાલોલ તાલુકાના નેશનલ મિશન ઓન નેચરલ ફાર્મિંગ (NMNF)ના મિશન ક્લસ્ટરના કુલ ૪૫૦થી વધુ ખેડૂત ભાઈઓ અને બહેનોએ આ તાલીમમાં ભાગ લીધો હતો. તેમજ પ્રાકૃતિક કૃષિ શા માટે, તેનું મહત્વ, પ્રાકૃતિક કૃષિના પાંચ આયામો, જીવામૃત/ધન જીવામૃતનું પ્રત્યક્ષ નિદર્શન, રવિ સિઝનમાં તેનો ઉપયોગ અને ઉત્પાદિત કૃષિ પેદાશના વેચાણ વ્યવસ્થાપન જેવા મહત્ત્વના વિષયો આવરી લેવામાં આવ્યા હતા.
કાર્યક્રમના બીજા ભાગમાં, મદદનીશ સંશોધન વૈજ્ઞાનિક ચેનાભાઈ પંચાલ, સિનિયર રિસર્ચ ફેલો બીનલબેન ગજેરા, મદદનીશ સંશોધન વૈજ્ઞાનિકકૃપાલીબેન રામાનુજ અને ભૂમિબેન કેશવાલ દ્વારા ફિલ્ડ વિઝિટ દરમિયાન જીવામૃત, બીજામૃત અને ધન જીવામૃત બનાવવાની રીતનું પ્રત્યક્ષ નિદર્શન કરાવવામાં આવ્યું હતું અને વિવિધ મોડેલ ફાર્મની મુલાકાત કરાવી પ્રાકૃતિક કૃષિના પાંચ આયામો વિશે સવિસ્તાર માહિતી આપવામાં આવી હતી.
---------------
હિન્દુસ્થાન સમાચાર / મહેરા હર્ષદ