
પાટણ, 7 ડિસેમ્બર (હિ.સ.) : પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકાના બામરોળી ગામમાં 7 ડિસેમ્બર 2025ની વહેલી સવારે 108 એમ્બ્યુલન્સ ટીમે એક મહિલાની એમ્બ્યુલન્સમાં જ સફળ પ્રસૂતિ કરાવી હતી. સમયસર મળી આવેલી સેવાને કારણે માતા અને નવજાત બાળક બંનેનો જીવ બચી ગયો હતો.
મહિલાને અચાનક પ્રસૂતિ વેદના શરૂ થતા પરિવારજનોએ તરત જ 108 સેવાને સંપર્ક કર્યો હતો. કોલ મળ્યા બાદ EMT મીનેશભાઈ જોશી અને પાઈલોટ દિલીપભાઈ રાઠોડ સ્થળ પર પહોંચ્યા અને મહિલાને હોસ્પિટલ લઈ જવા નીકળ્યા. પરંતુ વારાહી નજીક પહોંચતાં તેમની સ્થિતિ અકળ બની હતી.
પરિસ્થિતિ ગભરાટભરી બનતા 108 ટીમે હેડ ઓફિસના ERCP ડૉ. રૂચીના માર્ગદર્શન હેઠળ એમ્બ્યુલન્સમાં જ પ્રસૂતિ પ્રક્રિયા શરૂ કરી. મર્યાદિત સાધનો છતાં EMT મીનેશભાઈ અને પાઈલોટ દિલીપભાઈએ કાળજીપૂર્વક નોર્મલ ડિલિવરી સફળતાપૂર્વક પૂર્ણ કરી હતી.
સફળ પ્રસૂતિ બાદ માતા અને શિશુ બંને સંપૂર્ણ સ્વસ્થ છે. ઘટનાએ 108 એમ્બ્યુલન્સ સેવાની કાર્યદક્ષતા અને સમયસર પ્રતિભાવની મહત્તા વધુ સ્પષ્ટ કરી છે. પરિવારજનોએ ટીમના ઉત્સાહ અને સેવાભાવી કાર્ય માટે હૃદયપૂર્વક પ્રશંસા વ્યક્ત કરી હતી.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ