અમદાવાદ,27 ફેબ્રુઆરી (હિ.સ.) રાજયમાં ગૌચર અને ખરાબાની જમીનમાં મોટા પાયે ગેરકાયદેસર માટી ખનનની ફરિયાદ થતી હોય છે. આવી જ ફરિયાદ સાણંદ તાલુકાના ઉપરદળ ગામમાં ગૌચર અને ખરાબાની જમીનમાં મોટા પાયે ગેરકાયદેસર માટી ખનનના ગંભીર આરોપો કોંગ્રેસના અગ્રણીઓએ મૂક્યા છે. કોંગ્રેસ અગ્રણીઓના જણાવ્યા અનુસાર, આ માટી ખનનનું કૌભાંડ સ્થાનિક વહીવટી તંત્ર અને કેટલાક રાજકીય નેતાઓની મિલીભગતથી ચાલી રહ્યું છે. લાંબા સમયથી ચાલી રહેલી આ ગેરકાયદેસર પ્રવૃત્તિને તાત્કાલિક રોકવા માટે કોંગ્રેસે જિલ્લા કલેકટરને રજૂઆત કરી છે. તેમણે દોષિતો સામે કડક કાર્યવાહીની માગ કરી છે. આ પ્રકરણમાં સ્થાનિક વહીવટી તંત્રની નિષ્ક્રિયતા સામે પણ સવાલો ઉઠ્યા છે. ગૌચર જમીનમાં થઈ રહેલા આ ગેરકાયદે ખનનથી પર્યાવરણને નુકસાન થવાની સાથે સરકારી મિલકતને પણ નુકસાન થઈ રહ્યું છે.
આ અંગે કોંગ્રેસના અગ્રણી શૈલેષ ઠક્કરે જણાવ્યું કે, સાણંદના ઉપરદળ ગામમાં 100 વિઘા જેટલી ગૌચર અને ખરાબાની જમીનમાંથી આશરે 70થી 80 વિઘા જમીનમાં છેલ્લા 2-3 વર્ષથી ગેરકાયદેસર માટી ખનન થયું છે. આ કૌભાંડ સ્થાનિક વહીવટી તંત્ર અને મોટા નેતાઓની મિલીભગતથી ચાલી રહ્યું છે. જે માટે દોષિતો સામે કડક કાર્યવાહીની માગ જિલ્લા કલેકટર સામે કરાઈ છે.
હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ