ગાંધીનગર, 27 ફેબ્રુઆરી (હિ.સ.) ગાંધીનગર મહાનગરપાલિકાના મેયર મીરા પટેલે મહાશિવરાત્રીના પાવન દિવસે પ્રયાગરાજ ખાતે યોજાયેલા વૈશ્વિક કુંભ મેળામાં ત્રિવેણી સંગમના પવિત્ર જળમાં શ્રદ્ધા અને ભક્તિભાવથી ડૂબકી લગાવી પવિત્ર સ્નાન કર્યું અને જળ અર્ઘ્ય અર્પણ કર્યું.
શાસ્ત્રો અનુસાર, મહાશિવરાત્રીના પવિત્ર દિવસે કુંભ સ્નાન કરવું વિશેષ મહત્વ ધરાવે છે, કેમ કે આ દિવસે ગંગા, યમુના અને ગૂપ્ત સરસ્વતી નદીઓના ત્રિવેણી સંગમમાં સ્નાન કરવાથી અશ્વમેઘ યજ્ઞ જેટલું પુણ્ય પ્રાપ્ત થાય છે.
આજના દિવ્ય દિવસે મેયર એ પણ આ પવિત્ર કુંભ સ્નાનનો લાભ લીધો અને ભગવાન શિવની ઉપાસના કરી. તેઓએ દેશના સર્વત્ર શાંતિ, સમૃદ્ધિ અને લોકોના કલ્યાણ માટે પ્રાર્થના કરી.
મેયર મીરા પટેલ દ્વારા ગાંધીનગરના વિકાસ અને શહેરની સુખ સમૃદ્ધિ માટે વિશેષ પ્રાર્થના કરવામાં આવી હતી. કુંભ સ્નાન બાદ તેઓએ સાધુ સંતોના આશીર્વાદ પણ પ્રાપ્ત કર્યા. તેમણે જણાવ્યું હતું કે મહાપર્વ કુંભમાં મેળવેલા આ દિવ્ય અનુભવ અને પ્રેરણાથી ગાંધીનગર માટે વધુ સક્રિયતાથી કામ કરવાની ઉર્જા તેમને મળી છે.
કરોડો ભક્તોના શ્રદ્ધા અને આસ્થા કેન્દ્ર પ્રયાગરાજમાં યોજાયેલા કુંભ મેળામાં કુંભ સ્નાન માટે દેશ-વિદેશથી શ્રદ્ધાળુઓ મોટી સંખ્યામાં આવે છે.
મેયર એ વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીના માર્ગદર્શનમાં ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથના નેતૃત્વની સરકારે પ્રયાગરાજ આવતા યાત્રીઓ માટે કરેલી વ્યવસ્થાઓની પ્રશંસા કરી હતી. તેમણે ખાસ કરીને સફાઈ-સ્વચ્છતાનું ધ્યાન રાખવા સાથે યાત્રિકોને કુંભ સ્નાન માટે જે વ્યવસ્થા કરવામાં આવી છે તે ખૂબ જ સુંદર અને આયોજનબદ્ધ છે.
હિન્દુસ્થાન સમાચાર / અભિષેક બારડ