- ધોરણ 10ની સવારે 9:15 વાગ્યાથી તમામ પરીક્ષા કેન્દ્રો પર પરીક્ષા શરૂ
- કુલ 14.28 લાખ વિદ્યાર્થીઓ બોર્ડની પરીક્ષા આપશે
અમદાવાદ,27 ફેબ્રુઆરી (હિ.સ.) ગુજરાતમાં આજથી ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની ધોરણ 10 અને 12ની પરીક્ષાનો આજથી પ્રારંભ થયો છે. સવારે 9:15 વાગ્યાથી તમામ પરીક્ષા કેન્દ્રો પર બાળકોનું ચેકિંગ કરી, ફૂલ, ચોકલેટ, પેન અને તિલક કરી પ્રવેશ આપવામાં આવ્યો હતો. વિદ્યાર્થીઓ સમય પહેલાં જ પરીક્ષા કેન્દ્રો પર પહોંચી ગયા હતા. હાલ 10 વાગ્યાથી ધોરણ 10ની પરીક્ષા શરૂ થઇ ગઈ છે. ધોરણ 12નું બપોરે 3 વાગ્યે પેપર શરૂ થવાનું છે. આ વર્ષે ધોરણ 10 અને 12 સામાન્ય પ્રવાહ તથા વિજ્ઞાન પ્રવાહના મળીને કુલ 14,28,175 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. જેમાં નિયમિત, રીપીટર, આઇસોલેટેડ, ખાનગી અને ખાનગી રીપીટર વિદ્યાર્થીઓ છે.
ધોરણ 10ના બોર્ડનું પ્રથમ ભાષાનું પેપર છે. જેમાં ગુજરાતી મીડિયમના વિદ્યાર્થીઓને ગુજરાતી અને અંગ્રેજી મીડિયમના વિદ્યાર્થીઓને અંગ્રેજી ભાષાનું પેપર છે. જ્યારે 12 સામાન્ય પ્રવાહની પરીક્ષા આપનાર વિદ્યાર્થીઓનું પ્રથમ પેપર અર્થશાસ્ત્ર અને 12 વિજ્ઞાન પ્રવાહની પરીક્ષા આપનાર વિદ્યાર્થીઓનું પ્રથમ પેપર ભૌતિક વિજ્ઞાન છે.શિક્ષણ મંત્રી પ્રફુલ પાનસેરિયાએ વિદ્યાર્થીઓને શુભેચ્છા પાઠવી હતી.
ધોરણ 10ની પરીક્ષા શરૂ થઈ ગઈ છે. એક તરફ, જ્યાં બોર્ડના વિદ્યાર્થીઓ પરીક્ષા ખંડમાં બેસીને પરીક્ષા આપી રહ્યા છે, ત્યારે બીજી બાજુ, પરીક્ષા કેન્દ્રની બહાર વિદ્યાર્થીઓના વાલીઓ અને તેમના દાદા-દાદી આંબાના ઝાડ નીચે બેસીને પરીક્ષા પૂરી થઈ જાય તેની રાહ જોઈ રહ્યા છે. આંબાના ઝાડ નીચે બેસીને કોઈ મોબાઈલ તો કોઈ અખબાર વાંચી રહ્યા છે.
રાજકોટ જિલ્લા કલેક્ટર પ્રભવ જોશી દ્વારા વિદ્યાર્થીઓને ગુલાબનું ફૂલ અને ચોકલેટ આપી સ્વાગત કરવામાં આવ્યું હતું. આ સાથે જ કંકુ ચોખા સાથે પરીક્ષા માટે બેસ્ટ ઓફ લક કહેવામાં આવ્યું હતું.
બોર્ડની ધોરણ 10 અને 12ની પરીક્ષાનો આજથી પ્રારંભ થયો છે ત્યારે ગોંડલ ની ગંગોત્રી સ્કૂલ ખાતે વિદ્યાર્થીઓને કંકુ, તિલક, મીઠું મોઢું અને મહાકુંભનું ત્રિવેણી નદીનું ગંગાજળ વિદ્યાર્થીઓ પર માતાજી સ્વામી શુભાનંદ દ્વારા છટકાવ કરી પ્રવેશ આપવામાં આવ્યો.
હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ