- 27 ફેબ્રુઆરીથી 17 માર્ચ 2025 સુધી પરીક્ષા ચાલશે
અમદાવાદ,27 ફેબ્રુઆરી (હિ.સ.) ગુજરાતમાંઆજથી માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આયોજિત એસ.એસ.સી અને એચ.એસ.સી વિજ્ઞાન પ્રવાહ અને સામાન્ય પ્રવાહની બોર્ડની પરીક્ષા આજથી શરૂ થઈ રહી છે. 27 ફેબ્રુઆરીથી 17 માર્ચ 2025 સુધી પરીક્ષા ચાલશે. હજારોની સંખ્યામાં વિદ્યાર્થીઓ પરીક્ષા આપવાના છે. ત્યારે પરીક્ષા કેન્દ્ર સુધી પહોંચવા માટે એસટી નિગમ દ્વારા વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે. એસટી નિગમ વધારાની બસોનું સંચાલન કરવામાં આવશે.
એસટી નિગમના અધિકારી વિષ્ણુ દવેએ જણાવ્યું છે કે, 27 ફેબ્રુઆરી 2025થી 17 માર્ચ 2025 દરમિયાન ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષા સંદર્ભે એસ.ટી. નિગમ દ્વારા વિદ્યાર્થીઓ માટે જરૂરિયાત મુજબ વધારાની બસ સુવિધાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં એસ.ટી. નિગમ દ્વારા દર વર્ષની જેમ વિદ્યાર્થીઓની જરૂરિયાત પ્રમાણે હાલની રેગ્યુલર સર્વિસો ઉપરાંત વધારાની 250 જેટલી ટ્રિપો ચલાવવાનું આયોજન કરવામાં આવ્યું છે.
એસટી નિગમને જે તે જિલ્લા વહીવટી તંત્ર તરફથી 85 જેટલી એક્સ્ટ્રા બસો સંચાલિત કરવાની માંગણી મળેલી હતી. હજુ પણ માંગણી મળે તે મુજબ વધારાની બસો ચલાવવામાં આવશે. એસટી નિગમ દ્વારા વિદ્યાર્થીઓને પરીક્ષા દરમિયાન કોઈ તકલીફ ન પડે તે માટે તમામ જિલ્લા લેવલના વિભાગોને પરીક્ષાર્થીઓને અગ્રીમતા આપી એક્સ્ટ્રા બસો ચલાવવા અને સમયસર બસો ચલાવવા તાકીદની સૂચના આપવામાં આવી છે. અને એસટી નિગમના દરેક વિભાગો ખાતે કંટ્રોલ રૂમ શરૂ કરવામાં આવ્યો છે.
હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ