પોરબંદર, 27 ફેબ્રુઆરી (હિ.સ.) દર વર્ષે 27 મી ફેબ્રુઆરીના રોજ દુનિયાભરના બિન સરકારી સંગઠનો (એનજીઓ)ના કાર્યોને સન્માન આપવા માટે વિશ્વ એનજીઓ દિવસ તરીકે ઉજવવામાં આવે છે, ત્યારે આજે એનજીઓ દિવસ નિમિત્તે જેસીઆઈ પોરબંદરના સ્થાપક પ્રમુખ લાખણશી ગોરાણીયાએ પોરબંદરની તમામ સામાજીક સંસ્થાઓની કામગીરીને બિરદાવી વિશ્વ એનજીઓ દિવસની શુભેચ્છાઓ પાઠવી હતી.2009 માં પ્રથમ વખત વિશ્વ એનજીઓ દિવસ ઉજવવામાં આવ્યો હતો, પરંતુ આંતર રાષ્ટ્રીય સ્તરે આ દિવસને એનજીઓ દિવસ તરીકે ઉજવણી કરવાની સંયુક્ત રાષ્ટ્રની માન્યતા 2014 માં મળી અને એમનો શ્રેય બ્રિટનના સામાજિક અગ્રણી માર્શિલ લાયર્સ સ્કાડમૈનિસને જાય છે. આ દિવસને ખાસ મહત્વ એટલા માટે આપવામાં આવે છે કે લોકજાગૃતિના માધ્યમથી સમાજમાં એનજીઓના યોગદાનની નોંધ લઈ તેને સન્માન અને પ્રોત્સાહન આપવા માટે ઉજવવામાં આવે છે.
ભારતમાં લગભગ ૩૦ લાખ કરતાં પણ વધારે એનજીઓ જુદા જુદા ક્ષેત્રમાં કાર્યરત રહી સમાજમાં બદલાવ અને જાગૃતતા માટે મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવી રહ્યા છે ત્યારે પોરબંદરમાં માનવ સેવા હોય કે જીવદયા, વ્યક્તિત્વ વિકાસનું કાર્ય હોય કે શિક્ષણનું ક્ષેત્ર, પ્રકૃતિ માટે કાર્યરત હોય કે પછી કલા અને સાહિત્યનું જતન. આમ વિવિધ કાર્યો અને ઉદ્દેશો સાથે પોરબંદરમાં નાની મોટી લગભગ 111 જેટલી એનજીઓ પોતપોતાનું યોગદાન આપી રહી છે. વિશ્વ એનજીઓ દિવસ નિમિત્તે પોરબંદરની તમામ સામાજિક સંસ્થાઓના યોગદાનને બિરદાવતા જેસીઆઈ પોરબંદરના સ્થાપક પ્રમુખ લાખણશી ગોરાણીયાએ દરેક એનજીઓના હોદ્દેદારોને અભિનંદન આપી પોરબંદરના સામાજીક ક્ષેત્રે સતત સક્રિયતા માટે શુભેચ્છાઓ પાઠવી હતી.
હિન્દુસ્થાન સમાચાર / Tejas pravinbhai dholariya