નવસારી , 27 ફેબ્રુઆરી (હિ.સ.) પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી માર્ચ મહિનામાં બે દિવસના દક્ષિણ ગુજરાતના પ્રવાસે આવી રહ્યાં છે.
નવસારીમાં યોજાનારા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના કાર્યક્રમને લઈને અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા તા. 24/02/2025 નાં રોજ એક દિવસના ટોલ રાહતના આદેશ આપવામાં આવ્યાં છે. જેથી આ બાબતના વિરોધને દર્શાવતી રજૂઆત પ્રધાનમંત્રી કાર્યાલય સહીત સબંધિત વિભાગોમાં કરવામાં આવી છે.જો કે, નેશનલ હાઈવે ઓથોરિટીએ કહ્યું કે, લેટર મળ્યો છે. પરંતુ અમે નિયમ પ્રમાણે જ ટોલ લઈશું.
કોંગ્રેસ અગ્રણી દર્શન નાયક દ્વારા લખાયેલા પત્રમાં કહેવાયું છે કે, નવસારી જિલ્લામાં પ્રધાનમંત્રીના કાર્યક્રમમાં હાજરી આપવા માટે સુરતના અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા આપવામાં આવેલા આદેશ તરફ તમારું ધ્યાન દોરવા માંગીએ છીએ. અધિક જિલ્લા કલેક્ટર દ્વારા આપવામાં આવેલા એક દિવસના ટોલ રાહતના આદેશ અને ભારતીય લોકશાહી અને વ્યવસ્થામાં આગામી દિવસોમાં તેની ટૂંકા ગાળાની અને લાંબા ગાળાની અસરો તરફ અમે તમારું ધ્યાન દોરવા માંગીએ છીએ.
અમારું માનવું છે કે ગુજરાત રાજ્ય સરકારના અધિકારીઓ દ્વારા પ્રધાનમંત્રીના કાર્યક્રમમાં હાજરી આપવા માટે આપવામાં આવેલ ટોલ રાહત અંગેનો આદેશ અતિરેકપૂર્ણ હકૂમત ક્ષેત્ર બહારનો છે. કારણ કે નેશનલ હાઈવે કાયદો અને ટોલ વસૂલાતની અન્ય કોઈપણ જોગવાઈઓ જિલ્લા કલેક્ટર/રાજ્ય સરકારને ટોલ સંબંધિત બાબતો માટે આદેશ/મુક્તિ આપવાનો કોઈ અધિકાર આપતી નથી જે કેન્દ્રીય વિષય છે અને રાજ્યનો વિષય નથી.
જો આ આદેશ લાગુ કરવામાં આવે તો દરેક કેન્દ્રીય મંત્રી તેમના પ્રોગ્રામ માટે ટોલ મુક્તિ માંગશે અને રાજ્યના દરેક મુખ્યમંત્રી તેમના કાર્ય માટે આ માંગ કરશે અને રાજકારણીઓની દખલગીરીને કારણે ટોલ સિસ્ટમ પડી ભાંગશે.અમારું દ્રઢપણે માનવું છે કે માનનીય પ્રધાનમંત્રીને સુરત જિલ્લા વહીવટીતંત્ર/GoG દ્વારા લેવામાં આવેલા આવા નિર્ણયની જાણ નહીં હોય. અમે પ્રધાનમંત્રી કાર્યાલયને વિનંતી કરીએ છીએ કે કૃપા કરીને આ બાબતમાં તપાસ કરે અને NH કાયદાના નિયમો અને જોગવાઈઓ અને ટોલની સૂચનાનું પાલન કરવા માટે જરૂરી પગલાં લે. MORTH/NHAI એ પણ પ્રવર્તમાન ધોરણો અને નિયમો અનુસાર આ બાબતમાં હસ્તક્ષેપ કરવો જોઈએ.
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે