પાલનપુર/અમદાવાદ,27 ફેબ્રુઆરી (હિ.સ.) બનાસકાંઠા જિલ્લાના અમીરગઢ તાલુકાના ખુણીયા ગામ નજીક રાજસ્થાનની એસટી બસ અને બોલેરો ગાડી વચ્ચે અકસ્માત સર્જાયો છે. જેમાં ત્રણ લોકોના ઘટના સ્થળે જ મોત નિપજ્યા છે. બોલેરોમાં દબાયેલી લાશો કાઢવા માટે જેસીબી ની મદદ લેવાઈ હતી.
રાજસ્થાનની એસટી બસ અને બોલેરો ગાડી વચ્ચે અકસ્માતમાં અન્ય મુસાફરોને પણ નાની-મોટી ઈજાઓ પહોંચી છે. અકસ્માતની જાણ થતાં જ અમીરગઢ પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. પોલીસે મૃતકોના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડવાની કાર્યવાહી હાથ ધરી છે.
અકસ્માતને કારણે હાઈવે પર ટ્રાફિકજામની સ્થિતિ સર્જાઈ હતી. ઘટનાની જાણ થતાં આસપાસના વિસ્તારમાંથી મોટી સંખ્યામાં લોકો ઘટના સ્થળે એકત્રિત થયા હતા. અમીરગઢ પોલીસે અકસ્માતના કારણો અને સંજોગો અંગે વધુ તપાસ શરૂ કરી છે.
આ અકસ્માત અંગે અમીરગઢ પોલીસે જણાવ્યું હતું કે, બેથી વધુ લોકોના મોત નિપજ્યા છે. લોકોની ઓળખ હજુ બાકી છે. અન્ય વધુ લોકોને ઈજાઓ પહોંચી છે. જેમને નજીકના હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. હાઇવે પર અકસ્માતના કારણે થયેલ ટ્રાફિક નિયંત્રણ કરવા પોલીસ ખડેપગે છે.
હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ